ખેડબ્રહ્માના ઉંબોરાના વિધવા મહિલા લીલાબેનને દુધારી ભેંસ મળતા બાળકોમાં પોષણ અને રોજગારીની ચિંતા દૂર થઈ
કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ પાથરી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંબોરા ગામના લીલાબેન સદીકભાઈ પરમાર માટે ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ કપરા સમયમાં ટેકો બનીને આવી છે. લીલાબેન પરમારના પતિનું કોરોના કાળ દરમિયાન અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વિધવા અવસ્થામાં બાળકોના ઉછેર અને આજીવિકાની ચિંતા વચ્ચે સરકાર દ્વારા તેમને રૂ.90,000 ની કિંમતની દુધારી ભેંસ સહાય પેટે આપવામાં આવી છે. પોતાના અનુભવ વિશે વાત કરતા લીલાબેન જણાવે છે કે, “પતિના મૃત્યુ બાદ બાળકોના ભવિષ્યની ચિંતા હતી, પણ સરકારની આ સહાયથી આજે મારા બાળકોને પૌષ્ટિક દૂધ મળી રહે છે અને વધારાનું દૂધ ડેરીમાં ભરાવીને હું સન્માનપૂર્વક રોજગારી મેળવી રહી છું.” સાબરકાંઠામાં પશુપાલન ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો જોઈએ તો, સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ 604 લાભાર્થીઓને દુધાળા પશુઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.2,31,09,000/- ની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, પોશીના તાલુકા માટે ‘સ્પેશિયલ પોશીના પ્રોજેક્ટ’ કાર્યરત છે, જે અંતર્ગત 2500 દુધાળા પશુઓ પૂરા પાડવાનો અને 40 જેટલા ગામોમાં નવીન દૂધ મંડળીઓનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર પશુ જ નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ જેવી કે બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટ, મિલ્ક ટેસ્ટર, ડેટા પ્રોસેસિંગ યુનિટ અને મિલ્ક કલેક્શન સોફ્ટવેર માટે પણ ₹1432.38 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પશુપાલકોને પોતાના ગ્રામ્ય સ્તરે જ પશુ સારવારની સુવિધા મળી રહે તે હેતુથી આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષ 2018-19થી ‘મોબાઇલ પશુ દવાખાના યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹22.00 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી પશુપાલકોને પશુઓના આરોગ્ય અંગેની ચિંતામાંથી મુક્તિ મળી છે. આમ, પશુ ખરીદીથી લઈને તેના આરોગ્ય સુધીની તમામ જવાબદારી સરકાર નિભાવી રહી છે, જે આદિવાસી પરિવારો માટે આર્થિક ઉન્નતિનો સાચો માર્ગ બની રહી છે.
