ઇડર તાલુકાના ગંભીરપુરા વિસ્તાર તેમજ ઇડર ગઢ પાછળ આવેલ તળાવમાંથી છેલ્લા કેટલાય સમયથી ખનન માફિયાઓ બેફામ રીતે રેતી ઉલ્લેચી રહ્યા છે. દિવસ ઉપરાંત ખાસ કરીને રાત્રી દરમ્યાન કેટલાક ટ્રેક્ટરો અને ડમ્પરો મારફતે રેતી ખનન કરી તેને નજીકના સ્થળોએ ગેરકાયદે સ્ટોક કરવામાં આવે છે અને ત્યારબાદ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ખનન માફિયાઓ રાત્રીના અંધારામાં રેતીનો મોટો જથ્થો એકત્ર કરી તેને અલગ અલગ સ્થળોએ સંગ્રહ કરે છે અને પછી બિનપરવાનગીપૂર્વક વેચાણ કરી સરકારને ચૂકવવાપાત્ર રોયલ્ટી તથા કરચોરી કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓથી સરકારને લાખો રૂપિયાની આવક ગુમાવવી પડી રહી છે. આ બેફામ ખનનના કારણે ગંભીરપુરા વિસ્તારમાં આવેલ તળાવો માં ઊંડા ખાડા પડતાં અકસ્માતની ભીતિ વધી છે, જ્યારે ઇડર ગઢ પાછળ થતું રેતીનુ ખનન જળસ્તર અને પર્યાવરણીય સંતુલન માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે. ઓવરલોડિંગ ટ્રેક્ટરો અને ડમ્પરોના કારણે આસપાસના માર્ગો પણ ભારે નુકસાન ભોગવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્રની જાણ બહાર આટલા મોટા પ્રમાણમાં ખનન શક્ય નથી અને કોઈ જવાબદાર અધિકારીઓની મિલીભગતથી આ કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની શંકા મજબૂત બની છે. ફરિયાદો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ખનન માફિયાઓ વધુ બેફિકર બન્યા હોવાનું લોકો કહે છે. હવે પ્રશ્ન એ છે કે ઇડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં ચાલતો આ ખનન નો કાળો કારોબાર ક્યારે બંધ થશે? સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે, ગેરકાયદે રેતી સ્ટોક જપ્ત કરવામાં આવે અને દોષિત ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવામાં આવેતેવી લોક માગ ઉઠવા પામી છે.
