ઇડર: ઇડર શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ખાતે લાંબા સમય સુધી પોતાની સેવા આપનાર આચાર્ય કિરણભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ આજે ખૂબ જ ભાવસભર વાતાવરણમાં યોજાયો. વર્ષો સુધી શિક્ષણ જગતમાં બહુમૂલ્ય યોગદાન આપ્યા બાદ તેઓ નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા તેમનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. તેમજ ગઈકાલે તારીખ: ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરે અને તેમનો આત્મવિશ્વાસ વધે તેવા ઉમદા હેતુથી, કિરણભાઈ પટેલ દ્વારા શાળામાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરણભાઈ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સમારોહની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબુભાઈ જમનાદાસ પટેલ પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંજા, ઇડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, કનુભાઈ પટેલ પ્રમુખ સા.કાં.જિલ્લા ભાજપ, શાળાના ટ્રસ્ટી મંડળ, સાથી શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય કિરણભાઈ પટેલને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાથી શિક્ષકોએ તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે, “તેમના નેતૃત્વમાં શાળાએ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં નવી ઊંચાઈઓ સર કરી છે.”
પોતાના પ્રતિભાવમાં આચાર્ય કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ શાળા મારા માટે માત્ર નોકરીનું સ્થળ નહીં પણ એક પરિવાર રહ્યો છે. અહીંના વિદ્યાર્થીઓનો પ્રેમ અને સ્ટાફનો સહકાર હંમેશા યાદ રહેશે.” તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત અને મહેનત સાથે જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કે એમ પરેલ વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ આચાર્ય કિરણભાઈ પટેલને ભાવિ સુખમય અને તંદુરસ્ત નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

