મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી તથા રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે.
આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૩૦ થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. તેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.
વાવ-થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રભારી સચિવશ્રી નાગરાજન, જિલ્લા કલેક્ટરશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી,
માર્ગ અને મકાન સચિવશ્રી પી આર પટેલીયા, ખાસ સચિવ જે એ ગાંધી, અધિક્ષક ઇજનેર એલ ડી ચૌધરી, કાર્યપાલક ઇજનેર તેજસ માંગુકિયા સહિત અન્ય પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
