જમીન વગર ખેતીનો સફળ પ્રયોગ: ભાવનગરના ૨૭ વર્ષીય યુવાને ભાડાના શેડમાં મશરૂમ ઉગાડી મેળવી મોટી સફળતા
હાઈટેક પદ્ધતિથી ઓઈસ્ટર મશરૂમની ખેતી કરી પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓ સુધી પહોંચ્યો ભાવનગરનો યુવાન —— નાના શેડમાં આધુનિક ટેકનોલોજીથી ઓઈસ્ટર મશરૂમનું ઉત્પાદન કરી અન્ય યુવાનો માટે બન્યો પ્રેરણાસ્ત્રોત
ભાવનગર શહેરના સોની યુવાને પરંપરાગત વ્યવસાય અને એન્જિનિયરની ડિગ્રી મળ્યા બાદ નોકરી કરવાના બદલે મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો, કંઈક અલગ કરી બતાવવાની નેમ સાથે યુવાને ભાવનગરમાં પ્રથમવાર મશરૂમની ખેતીમાં 3 લાખનું રોકાણ કરી ચાર માસમાં 1.5 લાખની આવક મેળવી છે. પિતા સાથે પરિવાર પણ યુવાનની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
આજના યુવાનોની વિચારસરણી અને જીવન જીવવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. પહેલાના યુવાનોનો મુખ્ય હેતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી કે ખાનગી નોકરી મેળવી સેટલ થવાનો હતો, પરંતુ આજના યુવાનો નોકરીની જગ્યાએ પોતાનો આધુનિક વ્યવસાય શરૂ કરી રહ્યા છે. ઘણા યુવાનો ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેક્નોલોજી સર્વિસ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં નવી તક શોધી સફળતાની નવી ઉંચાઈ સર કરી રહ્યા છે. ત્યારે જમીન હોય તો જ ખેતી થઈ શકે એ સંભાવનાને ભાવનગરના સોની પરિવારના ઋત્વિક સોની નામના 27 વર્ષીય યુવાને ખોટી સાબિત કરી દીધી છે. ઋત્વિકે શહેરની નજીક આવેલા અધેવાડા વિસ્તારમાં 17*32 ફૂટનો શેડ ભાડેથી રાખી 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેગમાં ઓઈસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી, નસીબ પણ સાથ આપતું હોય માત્ર ચાર માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી, એટલુ જ નહીં મશરૂમનું વેચાણ કરી 1.50 લાખની આવક પણ મેળવી છે.
ભાવનગર શહેરમાં રહેતા ઋત્વિક પરેશભાઈ સોની એ મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારનો મૂળ વ્યવસાય સોની કામનો હોય તેણે તમામ પ્રકારની કામગીરીમાં મહારત હાંસલ કરી છે પરંતુ મનમાં અનેક મહેચ્છાઓ હતી, જેને લઈને તેણે એન્જિનિયરિંગના અભ્યાસ બાદ નોકરી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ મનમાં કંઈક અલગ કરી બતાવવાની ઈચ્છા કાયમ રહેતી હતી, જેમાં તેના મિત્રો પાસેથી મશરૂમની ખેતી વિશે સાંભળ્યું, બસ ત્યારથી ઋત્વિકે એના મનમાં ગાંઠવાળી લીધી કે મશરૂમની ખેતી કરવી છે. બસ પછી તો પૂછવુ જ શું હોય, કેટલા પ્રકારના મશરૂમ હોય, એનું બિયારણ ક્યાંથી મળે, ક્યાં વેચી શકાય, અને તેના ફાર્મિંગની આધુનિક પધ્ધતિ બધું જ જાણી લીધા બાદ તેણે પિતા પરેશભાઈને મશરૂમ ફાર્મિંગ અંગે વાત કરતા તેઓ પણ પુત્રની અપેક્ષાઓ અને કંઈક નવું કરવાની ધગશ જોઈ માની ગયા, પિતાની પરવાનગી મળતા ઋત્વિકે પ્રથમ જગ્યા ગોતવાની શરૂઆત કરતા શહેર નજીક આવેલા અધેવાડા વિસ્તારમાં 17 બાય 32 ફૂટનો એક શેડ ધ્યાને આવ્યો અને ઋત્વિકે તે ભાડેથી રાખી આશરે ત્રણ લાખનું રોકાણ કરી મહારાષ્ટ્રથી ઓઈસ્ટર મશરૂમના 500 બેગ મંગાવી મશરૂમની આધુનિક ખેતી શરૂ કરી દીધી.
મશરૂમની ઘણી બધી જાતો છે. પરંતુ ઓઈસ્ટર મશરૂમ એ ર૦ થી ૩૦ ડિગ્રી. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે. જેમાં સામાન્ય ખેત ઉત્પાદનની ઊપજ જેવી કે ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ વગેરે પર પણ સહેલાઈથી ઉગાડી શકાય છે. આ મશરૂમને પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. ઋત્વિક દ્વારા જે પ્રકારે ખેતી શરૂ કરી છે એમાં મશરૂમના બેડ ખાસ પ્રકારની પોલીથીન બેગમાં તૈયાર કરવામાં આવ્યા છે જેની અંદર ઘઉંનું કુંવળ ભરવામાં આવે છે અને વચ્ચે વચ્ચે મશરૂમનું બિયારણ પાથરવામાં આવે છે ત્યારબાદ એક સરખું ટેમ્પ્રેચર જળવાઈ રહે એ પ્રકારે શાવર ગોઠવવા પડે છે જેથી દરેક બેડ પર વ્યવસ્થિત રીતે સમયે સમયે પાણીનો છંટકાવ કરી તેમાં એક સરખો ભેજ જાળવી શકાય. વધારે ઠંડીના સમયે ખાસ પ્રકારની બ્લુ લાઈટનો પ્રયોગ કરી ગરમી નિયંત્રિત કરવામાં આવે છે જેમાં સીધો સૂર્યપ્રકાશ ના મળે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે અંધકારમય વાતાવરણમાં મશરૂમ વધારે ઝડપથી ઊગે છે વ્યવસ્થિત માવજત કરવામાં આવતા 20 થી 25 દિવસમાં મશરૂમ ઊગવાનું શરૂ થઈ જાય છે ઋત્વિકે પણ પૂરી માવજત સાથે મશરૂમની ખેતી શરૂ કરી અને આજે એના નાના એવા મશરૂમ ફાર્મ માં મશરૂમની આવક શરૂ થઈ ગઈ છે એક બેડમાં સરેરાશ 5 થી 6 કિલો મશરૂમની આવક મળી રહે છે જેમાં એક કિલો ફ્રેશ ઓઈસ્ટર મશરૂમ 150 થી 200 રૂપિયાના ભાવે વેચાઈ જાય છે. એ હિસાબે ઋત્વિકે માત્ર ચાર માસ જેટલા ટૂંકાગાળામાં જ મશરૂમની મબલખ ઉપજ અને વેચાણ કરી 1.50 લાખની આવક મેળવી અડધું રોકાણ પરત મેળવી લીધું છે.
મશરૂમ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો આપે છે. તેમાં બીટા-ગ્લુકન્સ અને એરિટાડેનાઇન જેવા સંયોજનો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારું કોલેસ્ટ્રોલ વધારવામાં પણ મદદ કરે છે. તેમાંનું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે ઓઈસ્ટર મશરૂમને ઉતાર્યા પછી સીધું ખાઈ શકાય છે તેમાં કોઈ જાતનો સ્વાદ કે સુગંધ હોતા નથી પરંતુ ખાસ વાત તો એ છે કે, ગુજરાતમાં મશરૂમ ખાવાનું પ્રમાણ ખૂબ ઓછું છે જેના કારણે તેને સીધું મોલ કે માર્કેટમાં વેચવું સરળ નથી પરંતુ અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ વગેરેમાં તેનો ઉપયોગ વધુ થાય છે, ઋત્વિક સોનીએ ફ્રેશ મશરૂમ ને 150 થી 200 રૂપિયા પ્રતિકિલોના ભાવે મહારાષ્ટ્રમાં વેચાણ શરૂ કર્યું હતું પરંતુ જેમાં પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓમાં ફ્રેશ મશરૂમના સ્થાને ડ્રાય મશરૂમની વધારે માંગ જોવા મળતા ઋત્વિક તેને સૂકવીને ડ્રાય કર્યા બાદ તેનું વેચાણ કરી 500 થી 550 રૂપિયા પ્રતિકિલો ની આવક મેળવી રહ્યો છે આ કામમાં તેનો પરિવાર પણ તેને મદદરૂપ થઈ રહ્યો છે ઘરની અગાસી પર વ્યવસ્થિત સૂર્યપ્રકાશ મળતો હોય એવી જગ્યાએ મશરૂમને સૂકવવામાં આવે છે મશરૂમ સુકાતા ત્રણ થી ચાર દિવસ લાગે છે તે બાદ તેને કંપનીમાં સીધા જ વેચાણ કરી દેવામાં આવે છે ઋત્વિકની મહેનત અને સફળતા ને લઈને પરિવાર પણ ખુશ છે ઋત્વિકના પિતા પરેશભાઈ સોની પુત્રની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
