સાબરકાંઠા: જિલ્લામાં ખનિજ ચોરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને ઇડર તાલુકામાંથી પસાર થતી નદીઓમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. તંત્રની કથિત આંખઆડા કાન કરવાની નીતિને પગલે ચાલી રહેલા આ કારોબારને કારણે સ્થાનિક પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેને મોટો ફટકો પડી રહ્યો છે.
ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું નોંધાયું છે, ત્યારે નદીના વહેતા કે સંગ્રહિત પાણીમાંથી પણ યંત્રો દ્વારા રેતી કાઢવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. નદીમાં પાણી હોવા છતાં ખનન માફિયાઓ દ્વારા નિયમો નેવે મૂકીને કરવામાં આવતી આ રેત ચોરી પર્યાવરણીય દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે, તે એક મોટો સવાલ ઊભો કરે છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિથી સરકારને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લાખો મેટ્રિક ટન રેતીની ચોરી કરીને કરોડો રૂપિયાની રોયલ્ટી ચાંઉ કરવામાં આવી રહી છે. રેત માફિયાઓ જાણે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સીધો પડકાર આપી રહ્યા હોય તેમ, કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના સરકારી તિજોરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે.
આટલા મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવા છતાં, સાબરકાંઠા ભૂસ્તર વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ખનન માફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે જવાબદાર તંત્રની આ નિષ્ક્રિયતા અનેક શંકાઓને જન્મ આપી રહી છે.
આ ઉપરાંત, ગેરકાયદેસર ખનન કરેલી રેતીનું વહન કરતા વાહનો પણ જાહેર માર્ગો પર બેફામ દોડી રહ્યા છે. ઓવરલોડ અને બેફામ દોડતા આ વાહનોના કારણે માર્ગ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે હવે સ્થાનિકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે કાયદાનો ભંગ કરી રહેલા આ રેત માફિયાઓ સામે જવાબદાર અધિકારીઓ ક્યારે નક્કર કાર્યવાહી કરશે.

