સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ દ્વારા નશામુક્તિનો અસરકારક સંદેશ આપ્યો
સાબરકાંઠા: ભારત સરકારના રમતગમત અને યુવા કાર્યક્રમ મંત્રાલય દ્વારા ચાલતા “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત હિંમતનગરમાં તાજેતરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટી સંચાલિત રાજપુર (નવા) સ્થિત પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલન મહાવિદ્યાલય તેમજ પશુપાલન પોલિટેકનિકના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ડી. ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નાટક, કાવ્યપઠન, વક્તૃત્વ/ડિબેટ, સૂત્રલેખન, રીલ નિર્માણ અને ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લઈ વ્યસનમુક્તિનો સંદેશ કલાત્મક રીતે રજૂ કર્યો હતો.
યુવા સંવાદ અને અન્ય જાગૃતિ પ્રવૃત્તિઓ થકી ઉપસ્થિત વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, એક સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાવર્ગની સક્રિય ભૂમિકા અને જવાબદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, હિંમતનગરના કોઠારી સંત પૂ. મંગલપુરુષ સ્વામી, પૂ. કૌશલમુનિ સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, માય ભારત-સાબરકાંઠાના જિલ્લા યુવા અધિકારી રમેશ આર. કપૂર, આચાર્ય ડો. જે. બી. નાયક અને યુથ આઇકોન વંદિત પટેલ સહિતના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાવિદ્યાલયના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. એસ. જે. જાદવે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
