ઘરેલુ હિંસા અને કંકાસનો ભોગ બનેલી પરિણીતાનું કાઉન્સેલિંગ મારફતે સાસરીમાં સફળ પુનઃસ્થાપન; પરિવાર ફરી એક થયો
સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા સમાજ માટે એક પ્રેરણાદાયક કામગીરી કરવામાં આવી છે. કેન્દ્રના કાઉન્સેલરોની સકારાત્મક અને અસરકારક મધ્યસ્થીના કારણે સાત વર્ષના લગ્નજીવનમાં ઊભા થયેલા કૌટુંબિક વિખવાદનો સુખદ ઉકેલ આવ્યો છે, જેના પરિણામે વિખેરાઈ રહેલો એક પરિવાર પુનઃ એકતાના તાંતણે બંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૬ વર્ષીય એક પરિણીતાએ હિંમતનગર મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, તેમના લગ્નને આશરે સાત વર્ષનો સમય વીતી ગયો હતો અને તેમને એક દીકરી પણ છે. જોકે, તેમના પતિ પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવતા ન હતા અને દારૂના વ્યસનને કારણે ઘરમાં અવારનવાર ગાળાગાળી કરી ઝઘડા કરતા હતા. આ ઉપરાંત, સાસુ અને દિયર દ્વારા પણ માનસિક ત્રાસ આપી મહેણાં-ટોણાં મારવામાં આવતા હોવાથી કંટાળીને મહિલા પોતાની દીકરી સાથે પિયર રહેવા જતી રહી હતી.
આ ગંભીર બાબતની નોંધ લઈને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલરો દ્વારા બંને પક્ષોને રૂબરૂ બોલાવીને તટસ્થ કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મધ્યસ્થી દરમિયાન પતિ, સાસુ અને દિયરને તેમની પારિવારિક જવાબદારીઓનું ભાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ, મહિલાની સુરક્ષા, બાળકીના ઉજ્જવળ ભવિષ્ય અને ઘરેલુ હિંસાને લગતી કાયદાકીય જોગવાઈઓ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
કાઉન્સેલરોની તર્કબદ્ધ અને સમજાવટભરી રજૂઆત બાદ પતિ તેમજ સાસરી પક્ષના સભ્યોને પોતાની વર્તણૂક અંગે પસ્તાવો થયો હતો. તેઓએ પોતાની ભૂલનો સ્વીકાર કરી, ભવિષ્યમાં મહિલાને કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપવાની ખાતરી આપી હતી અને પારિવારિક શાંતિ જાળવવાની બાંહેધરી આપી હતી.
આમ, મહિલા સહાયતા કેન્દ્રના સંવેદનશીલ અભિગમ અને સમયસર લેવાયેલા પગલાંના કારણે મહિલાનું તેની સાસરીમાં સન્માનભેર પુનઃસ્થાપન શક્ય બન્યું છે. દીકરીને ફરીથી માતા-પિતા બંનેનો પ્રેમ અને હૂંફ મળી રહે તેવા વાતાવરણનું નિર્માણ થતાં, અરજદાર પરિવારે પોલીસ વિભાગ તથા મહિલા સહાયતા કેન્દ્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
