ઇડર-હિંમતનગર અને ખેડબ્રહ્મા હાઈવે પર જીપ તથા ઇકો કારમાં ૩૫ થી ૪૦ મુસાફરો ભરીને જીવલેણ મુસાફરી; પોલીસની હાજરીમાં જ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા.
સાબરકાંઠા જિલ્લાના હાઈવે અને શહેરી વિસ્તારના માર્ગો પર હાલમાં ખાનગી વાહનોમાં બેફામ રીતે ચાલી રહેલી ‘મોતની સવારી’ ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે. જિલ્લાના મુખ્ય માર્ગો, ખાસ કરીને ઇડર-હિંમતનગર અને ઇડર-ખેડબ્રહ્મા રોડ પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળે છે. ખાનગી જીપ અને ઇકો જેવી ગાડીઓમાં ક્ષમતા કરતા અનેકગણા વધુ મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ ભરીને જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક સામાન્ય પેસેન્જર વાહનમાં ૩૫ થી ૪૦ જેટલા મુસાફરોને ગેરકાયદેસર રીતે બેસાડવામાં આવે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વાહનની અંદર જગ્યા ન હોવાથી યુવક-યુવતીઓ સહિત અનેક મુસાફરો ગાડીના બોનેટ, છત, પાછળના ભાગે અને સાઈડમાં લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો માટે પણ અત્યંત ભયજનક હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આ મોતની સવારીઓ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસની નજર સામેથી પસાર થતી હોવા છતાં તેમની સામે કોઈ જ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી.

નિયમોનું પાલન કરાવવા માટે જવાબદાર એવા રક્ષકોની આ મુદ્દે મૌન અને નિષ્ક્રિયતા અનેક શંકાઓ ઊભી કરે છે. પોલીસની દેખરેખ હોવા છતાં વાહનચાલકો બેફામ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે છે. આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક નાગરિકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, જો ભવિષ્યમાં કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાશે અને નિર્દોષ લોકોના જીવ જશે, તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા માત્ર મૂકપ્રેક્ષક બની રહેવાના બદલે આ પ્રકારની મોતની સવારીઓ અને બેફામ વાહનચાલકો સામે ક્યારે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું.

