સળંગ ચાર દિવસની રજાઓ મળવાથી કર્મચારીઓ પરિવાર સાથે તહેવાર મનાવી શકશે; ૯ નવેમ્બરની રજાના બદલામાં ૨૮ નવેમ્બરના શનિવારે કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૯ નવેમ્બર, ૨૦૨૬ ના સોમવારના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં વિશેષ રજા જાહેર કરવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ દિવાળીના પર્વ દરમિયાન પોતાના વતનમાં જઈને પરિવાર સાથે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો છે. આ જાહેરાતના પગલે હવે રાજ્યના લાખો સરકારી કર્મીઓને તહેવારોમાં સળંગ રજાઓનો લાભ મળશે.
સામાન્ય વહીવટ વિભાગના સત્તાવાર જાહેરનામા અનુસાર, ૮ નવેમ્બરે દિવાળી, ૧૦ નવેમ્બરે નૂતન વર્ષ અને ૧૧ નવેમ્બરે ભાઈબીજની જાહેર રજા અગાઉથી જ નિયત કરવામાં આવેલી છે. આ રજાઓની બરાબર વચ્ચે આવતા ૯ નવેમ્બરના સોમવારને પણ રજા તરીકે ઘોષિત કરવામાં આવતા હવે કચેરીઓ સળંગ ચાર દિવસ સુધી બંધ રહેશે.
સરકારનો આ રજાનો આદેશ રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓ, પંચાયત કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકનાં તમામ બોર્ડ અને કોર્પોરેશનની કચેરીઓને સમાન રીતે લાગુ પડશે.
નોંધનીય છે કે, ૯ નવેમ્બરે આપવામાં આવેલી આ વિશેષ રજાના કારણે વહીવટી કામગીરીને કોઈ માઠી અસર ન પહોંચે તે માટે એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે, ૨૮ નવેમ્બર, ૨૦૨૬ ના શનિવારના રોજ આ તમામ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
