“કેન્સરની સારવાર લાંબી અને અત્યંત ખર્ચાળ હોય છે, પરંતુ સરકારના સંવેદનશીલ અભિગમ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં તદ્દન મફતમાં આ સારવાર મળી, તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.” આ સંવેદનશીલ શબ્દો હિંમતનગરના અત્રી ગ્રીન્સ વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય દક્ષાબેન હરેશભાઈ પટેલના છે, જેમણે સંકટના સમયે આયુષ્માન કાર્ડ અને આધુનિક તબીબી ટેકનોલોજીના સહારે સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) સામેની જંગ સફળતાપૂર્વક જીતી લીધી છે.
દક્ષાબેનને જ્યારે સ્તન કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે પરિવાર ચિંતામાં મુકાયો હતો. સામાન્ય રીતે આવી જટિલ સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરો તરફ દોડવું પડે છે, જેના કારણે આર્થિક અને શારીરિક હાલાકી ભોગવવી પડે છે. જોકે, દક્ષાબેનના પરિવારે ઘરઆંગણે જ ઉપલબ્ધ ખાનગી ‘શંકુઝ કેન્સર હોસ્પિટલ’નો સંપર્ક કર્યો, જ્યાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત તેમની કેન્સરની સારવાર તદ્દન મફતમાં શરૂ કરવામાં આવી.
સારવાર દરમિયાન કેન્સરની જટિલ તપાસ માટે અત્યંત જરૂરી એવો PET સ્કેન રિપોર્ટ, જેનો સામાન્ય ખર્ચ આશરે રૂ. ૨૦,૦૦૦ જેટલો થાય છે, તે આયુષ્માન કાર્ડના લીધે તદ્દન મફતમાં કરી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદથી આવેલા નિષ્ણાત કેન્સર સર્જનો દ્વારા દક્ષાબેનની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓની સુવિધા માટે સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને મંજૂર કરેલી ૧૭ જેટલી મોંઘી કીમોથેરેપીની સારવાર પણ તેમને આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
હોસ્પિટલની સ્વચ્છતા, ડોક્ટરોની નિપુણતા અને સ્ટાફની સંવેદનશીલતાથી પ્રભાવિત થયેલા દક્ષાબેને ભાવવિભોર થઈને જણાવ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આયુષ્માન કાર્ડ આશીર્વાદ સમાન સાબિત થયું છે.
કેન્સર સામે વિજય મેળવી નવજીવન મેળવનારા દક્ષાબેન આજે સમાજ માટે પ્રેરણા બન્યા છે. તેમણે અન્ય દર્દીઓને સંદેશ આપતા જણાવ્યું છે કે, કેન્સરથી ડરવાની કે હિંમત હારવાની બિલકુલ જરૂર નથી. લક્ષણો દેખાતા જ ગભરાયા વગર તુરંત તપાસ કરાવો, કારણ કે આજે સરકાર આપણી સાથે છે, આયુષ્માન કાર્ડ આપણી પાસે છે અને શંકુઝ જેવી શ્રેષ્ઠ હોસ્પિટલોમાં પણ મફત સારવાર ઉપલબ્ધ છે.
