સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, મજબૂત અને પ્રજાભિમુખ બનાવવાના આશયથી સરકાર દ્વારા એક મોટો વહીવટી બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લા કક્ષાએ કાર્યરત એવી જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ (DILR) સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયના પગલે હવે સામાન્ય પ્રજાએ પોતાના જમીન સંબંધી કામો માટે જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને તાલુકા કક્ષાએ જ તમામ ત્વરિત સેવાઓ મળી રહેશે.
તાલુકા કક્ષાએ કઈ-કઈ કામગીરી થશે?
સાબરકાંઠા જિલ્લાના તમામ ૦૮ તાલુકાઓમાં જમીન દફતર ખાતાને લગતી નીચે મુજબની કામગીરી જે-તે તાલુકાની નવીન કચેરી ખાતે જ સ્વીકારવામાં અને પૂર્ણ કરવામાં આવશે:
- રી-સરવે સુધારાને લગતી કામગીરી
- જમીન માપણીને લગતી તમામ પ્રકારની કામગીરી
- હક્કચોકસી અને પ્રોપર્ટીકાર્ડ મેળવવા બાબત
- પ્રોપર્ટીકાર્ડમાં ફેરફાર નોંધને લગતી કામગીરી
- સ્વામિત્વ યોજના તેમજ એકત્રીકરણ યોજનાને લગતી તમામ કામગીરી
આ નિર્ણયથી સાબરકાંઠાના ખેડૂતો અને જમીનધારકોના સમય અને નાણાંની મોટી બચત થશે.
