અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂ પર રોલર ફરી ગયું, પરંતુ પ્રેસ નોટ રિલીઝ ન કરાતા અનેક તર્ક-વિતર્ક; શહેરમાં મુદ્દો ‘ટોક ઓફ ધ ટાઉન’
ઇડર, ૦૧ જુલાઈ: સાબરકાંઠા જિલ્લાના ઇડર, જાદર અને વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના અલગ-અલગ કેસો અંતર્ગત જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો ગત તા. ૨૯/૦૬/૨૦૨૬ના રોજ સરકારી નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો છે. જો કે, આ સમગ્ર સરકારી પ્રક્રિયા દરમિયાન મીડિયાને અજાણ રાખવામાં આવતા અને કોઈ સત્તાવાર માહિતી જાહેર ન કરાતા સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મળતી વિગતો મુજબ, ત્રણ પોલીસ સ્ટેશન ધ્વારા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો અંદાજીત રૂપિયા ૧૭.૦૦ લાખની કિંમતનો જથ્થો ઇડર નગરપાલિકાના ડમ્પિંગ સાઈટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઇડર પ્રાંત અધિકારી (SDM), જવાબદાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં દારૂની બોટલો પર રોલર ફેરવીને નાશ કરાયો હતો.
મીડિયાથી ગુપ્તતા રાખવા પાછળનું રહસ્ય શું? સામાન્ય રીતે પોલીસ તંત્ર દ્વારા જ્યારે પણ કોઈ મોટી ગેરકાયદે પ્રવૃત્તિ કે મુદ્દામાલનો નિકાલ કરવામાં આવે, ત્યારે પારદર્શિતાના ભાગરૂપે મીડિયાને આમંત્રિત કરવામાં આવે છે અથવા કામગીરી બાદ પ્રેસ નોટ જાહેર કરાતી હોય છે. પરંતુ આ કેસમાં અંદાજીત રૂ. ૧૭ લાખ જેવા મોટા મુદ્દામાલનો નાશ કરી દેવાયો છતાં સ્થાનિક મીડિયાકર્મીઓને સમગ્ર બાબતથી સદંતર અજાણ અને દૂર રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પ્રશાસન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પ્રેસ નોટ પણ રીલીઝ કરવામાં આવી નથી.
પોલીસની આ ‘ગુપ્ત’ કામગીરીને પગલે હાલ સમગ્ર ઇડર શહેરમાં આ મુદ્દો ભારે ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. જનતા અને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, જો કામગીરી સરાહનીય અને કાયદેસરની જ હતી, તો પછી તેને મીડિયા અને જનતાની નજરથી દૂર રાખવા પાછળનું કારણ શું હોઈ શકે?

