કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના NHSRC દ્વારા 17 વિભાગોનું મૂલ્યાંકન; રાજ્યની ચાર સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ઈડર હોસ્પિટલે સર્વોચ્ચ સ્કોર મેળવ્યો
ઈડર: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC) દ્વારા ઈડર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) અંતર્ગત ‘ક્વોલિટી સર્ટિફાઇડ’ જાહેર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને વ્યવસ્થાપનના રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકનમાં હોસ્પિટલે 92.88 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે.
રાષ્ટ્રીય સ્તરની બાહ્ય નિષ્ણાતોની પેનલ દ્વારા તા. 22થી 24 ઓક્ટોબર, 2026 દરમિયાન ઈડર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલના કુલ 17 વિભાગોની કામગીરીની તપાસ કરાઈ હતી, જેમાં તમામ નિર્ધારિત ગુણવત્તા માપદંડો પૂર્ણ થયા હોવાનું નોંધાયું છે.

ગુજરાત રાજ્યની કુલ ચાર સરકારી આરોગ્ય સંસ્થાઓનું આ રાષ્ટ્રીય સ્તરે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં ઈડર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે 92.88 ટકા સાથે સૌથી વધુ સ્કોર મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ અંગે NHSRC દ્વારા તા. 18 નવેમ્બર, 2026ના રોજ રાજ્યના આરોગ્ય વિભાગને સત્તાવાર પત્ર પાઠવીને ચારેય સંસ્થાઓને ‘ક્વોલિટી સર્ટિફિકેશન’ આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ હતી.
NQAS પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને અપાતી સારવાર, સેવાઓની ગુણવત્તા, સ્વચ્છતા, વ્યવસ્થાપન, દર્દી સુરક્ષા અને આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતના વિવિધ પાસાઓની સઘન ચકાસણી બાદ એનાયત કરવામાં આવે છે.
આ રાષ્ટ્રીય પ્રમાણપત્ર મળવાથી સાબરકાંઠા જિલ્લાની સરકારી આરોગ્ય સેવાઓની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને તમામ કર્મચારીઓના સંકલિત પ્રયાસોના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
