૨૬ ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે; ૨૯ નવેમ્બર, ૬ અને ૧૩ ડિસેમ્બરે ખાસ ઝુંબેશ દિવસ
સાબરકાંઠા: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થશે. ત્યારબાદ ૨૭ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન મતદારયાદી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
મતદારોની સુવિધા માટે ૨૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ખાસ ઝુંબેશ દિવસો યોજાશે. આ દિવસોએ સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદારો પોતાના વિસ્તારના મતદાન મથક ખાતે જઈ બુથ લેવલ ઓફિસર (BLO) પાસેથી ફોર્મ મેળવી શકશે અને જરૂરી આધાર-પુરાવા સાથે ત્યાં જ જમા કરાવી શકશે.
મતદારયાદીમાં નવું નામ નોંધાવવા માટે ફોર્મ-૬ ભરવાનું રહેશે. જેમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો ઉપરાંત વર્ષ ૨૦૨૭માં ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ભાવિ મતદારો પણ અગાઉથી અરજી કરી શકશે. આ ઉપરાંત, નામ કમી કરાવવા માટે ફોર્મ-૭ અને સરનામા સહિતની વિગતોમાં સુધારા માટે ફોર્મ-૮ ભરી શકાશે.
નાગરિકો ઓનલાઈન માધ્યમથી પણ અરજી કરી શકે છે. આ માટે ECINET મોબાઈલ એપ અથવા ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voters.eci.gov.in પર લોગિન કરી સંબંધિત ફોર્મ ભરી શકાશે. મતદારયાદી સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે.
મતદારયાદી વધુ ચોકસાઈપૂર્ણ, અદ્યતન અને ક્ષતિરહિત બને તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરાયો છે. તંત્રએ મતદારોને પોતાના તેમજ પરિવારના સભ્યો અને આસપાસના નાગરિકોની વિગતો ચકાસી સમયસર જરૂરી સુધારા કરાવી લેવા અપીલ કરી છે.
