શિક્ષણ, સંસ્કાર અને નશામુક્તિ થકી યુવાનો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવો સાંસદ શોભનાબેન બારૈયાનો અનુરોધ
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત એક વિશેષ યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તલોદ નગરપાલિકા હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી ૧૮ નવેમ્બર સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં યુવાવર્ગની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરી પોતાના વિસ્તારની સંસ્કૃતિ, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની વિશેષતાઓ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરાયા વગર સમાજમાં સકારાત્મક અને સાચી માહિતીના પ્રસાર પર તેમણે ભાર મૂક્યો હતો.

વધુમાં સાંસદે યુવાનોને વ્યસનમુક્ત જીવન શૈલી અપનાવવા ખાસ અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સ્વસ્થ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે નશામુક્તિ અનિવાર્ય છે. માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ તેની સાથે માતા-પિતા અને વડીલોનો આદર, પર્યાવરણનું સંરક્ષણ, સમાજ પ્રત્યેની જવાબદારી અને સારા સંસ્કારોનું જતન કરીને યુવાનોએ દેશની સકારાત્મક છબી રજૂ કરવી જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જનજાતીય સમાજના શૌર્ય અને બલિદાનને યાદ કરી, યુવા પેઢીને ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત, વક્તા કોકિલાબેન ગમારે જનજાતીય સંસ્કૃતિની જાળવણી સાથે શિક્ષણ થકી આગળ વધવા પર ભાર મૂક્યો હતો, જ્યારે શિક્ષક ચેતનભાઈએ પ્રેરક ઉદબોધન દ્વારા યુવાનોને શિસ્ત અને સામાજિક જવાબદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ યુવા સભામાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્યો, તલોદ નગરપાલિકાના પ્રમુખ, મદદનીશ કલેક્ટર આયુષી જૈન, અગ્રણી ગણપતસિંહ ઝાલા સહિત અનેક પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
