શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની મુદત ૩ ડિસેમ્બર સુધી લંબાવાઈ
ગાંધીનગર, ૧૯ નવેમ્બર ૨૦૨૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેનો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની અંતિમ તારીખમાં વધારો કરીને હવે તા. ૦૩/૧૨/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
બોર્ડના સચિવ આર. આર. વ્યાસ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, અગાઉ આ અહેવાલ ઓનલાઇન ભરવા માટેનો સમયગાળો તા. ૧૭/૧૧/૨૦૨૬ સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો. હવે આ મુદત લંબાવવામાં આવતા રાજ્યની શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને મોટી રાહત મળી છે.
તમામ શાળાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org અથવા ir.gseb.org પર જઈને શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરી શકશે. અહેવાલ ઓનલાઇન ભરવા અંગેની જરૂરી સૂચનાઓ પણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. બોર્ડ દ્વારા તમામ શાળાઓને નિયત સમયમર્યાદામાં ફરજિયાતપણે ઓનલાઇન અહેવાલ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.

