વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે 21 હજાર મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા
ઈડરની શ્રી કે.એમ. પટેલ વિદ્યામંદિરમાં કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય તે માટે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પ્રાર્થના સભા દરમિયાન શાળાના સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં 21 હજાર મહામૃત્યુંજય મંત્રના સામૂહિક જાપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ ફરીથી પોતાની ફરજ પર પરત ફરી શકે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય પી.કે. પટેલે કેપ્ટન સ્મિત મચ્છરના પરિચય સાથે તેમના શૌર્ય અને બહાદુરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થઈને પુનઃ કાર્યરત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સુપરવાઇઝર એ.જી. મોમીન સહિત શાળાના શિક્ષકો અને કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સી.એમ. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

