કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યાત્રીઓનું સન્માન: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ સ્થિત શ્રી સી. જી. મહેતા વિદ્યામંદિર ખાતે ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી યોજાયેલી ‘સેવા સંકલ્પ અભિયાન’ બાઈક યાત્રાનું આગમન થયું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાઈક યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું સન્માન કર્યું હતું.
આ સ્વાગત સમારોહને સંબોધતા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’નો ઉદ્દેશ્ય ચરિતાર્થ થઈ રહ્યો છે. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણના મહાસંકલ્પને સાકાર કરવામાં આવી રાષ્ટ્રહિતની યાત્રાઓ અને જનજાગૃતિ અભિયાનોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
યાત્રાના મૂળ ઉદ્દેશ્ય વિશે વાત કરતા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ યાત્રીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાઈક યાત્રા માત્ર એક ભૌગોલિક પ્રવાસ નથી, પરંતુ તે દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સશક્ત સંદેશ ફેલાવવાનું સરાહનીય કાર્ય કરી રહી છે.
પર્યાવરણ સુરક્ષાના સકારાત્મક સંદેશ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ, શાળાના આચાર્ય ભાનુભાઈ પટેલ, અગ્રણી પ્રેમલભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

