જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં સરપંચો, ટીબી વિજેતાઓ અને નિક્ષય મિત્રો સન્માનિત; રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળવામાં આવ્યું
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ‘JOSH (Joint Squad for Health) – ટીબી મુક્ત ભારત ટીમ’ના જિલ્લા કક્ષાના લોન્ચિંગ અને ‘ટીબી મુક્ત પંચાયત’ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓએ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, યુવા બાબતો અને રમતગમત તથા સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત JOSH ટીમના રાષ્ટ્રીય સ્તરના લોન્ચિંગ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં ટીબી નાબૂદીની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લા કક્ષાએ ‘ટીબી મુક્ત’ જાહેર થયેલી ગ્રામ પંચાયતોના સરપંચોને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટીબીની બીમારીને સફળતાપૂર્વક માત આપનાર ‘ટીબી વિજેતાઓ’ તથા દર્દીઓને પોષણ અને આર્થિક સહાય પૂરી પાડનાર ‘નિક્ષય મિત્રો’નું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
સમારોહને સંબોધતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફાલ્ગુનીબેન પરમારે માહિતી આપતાં ઉમેર્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં JOSH ટીમની રચના કરવામાં આવી છે, જેમાં વર્ગ-૧ના અધિકારીઓ, માય ભારત સ્વયંસેવકો અને NCC કેડેટ્સને સામેલ કરવામાં આવ્યા છે.
આ નવનિર્મિત JOSH ટીમો દ્વારા આગામી સમયમાં ગ્રામ્ય અને તાલુકા સ્તરે ટીબી અંગે વ્યાપક જનજાગૃતિ, જનભાગીદારી અને સઘન ફિલ્ડ કામગીરી હાથ ધરીને ટીબી નાબૂદી અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તમામ તાલુકાની ટીબી મુકત ભારત કમિટીના નોડલ ઓફિસરો, ક્ષય વિભાગના કર્મીઓ, NCC કેડેટ્સ તેમજ માય ભારત સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

