રાણી બોર્ડરથી માથાસુર ત્રણ રસ્તા સુધી અવ્યવસ્થિત ડાયવર્ઝન અને પાણીના છંટકાવના અભાવે ધૂળની ડમરીઓથી અકસ્માતની ભીતિ
વિજયનગર: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 58 ના નવીનીકરણની કામગીરી હાલ ધીમી ગતિએ ચાલી રહી છે. રાણી બોર્ડરથી માથાસુર ત્રણ રસ્તા સુધી ચાલી રહેલા આ માર્ગ નિર્માણના કામમાં યોગ્ય આયોજનના અભાવે સ્થાનિક રહીશો, પશુપાલકો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવી રહી નથી. સમગ્ર રૂટ પર અવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિકાસનું આ કાર્ય હાલ રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે.
માર્ગના નવીનીકરણ દરમિયાન નિયમોનું પાલન કર્યા વિના જ્યાં ત્યાં આડેધડ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે. યોગ્ય સાઈનબોર્ડ કે વ્યવસ્થિત ડાયવર્ઝનના અભાવે આ રૂટ પરથી પસાર થતા નાના-મોટા વાહનોની અવરજવરમાં સતત અવરોધ ઊભો થઈ રહ્યો છે.
નિયમ અનુસાર, રોડની કામગીરી દરમિયાન ધૂળ ન ઉડે તે માટે નિયમિતપણે પાણીનો છંટકાવ કરવો ફરજિયાત હોય છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં ન આવતા સમગ્ર દિવસ દરમિયાન હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેનાથી આસપાસના વિસ્તારમાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
સતત ઉડતી ધૂળના કારણે રોડ પર વિઝિબિલિટી ઘટી જાય છે અને સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું નથી. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અને માર્ગ પરથી પસાર થતા પશુપાલકો પર સતત અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
