મહારાષ્ટ્રના પાલઘર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધાની આઉટડોર અને બીચ કેટેગરીમાં ગુજરાતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
મહારાષ્ટ્રના પાલઘર ખાતે ૨૨મી તારીખથી શરૂ થયેલી નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ બે મેડલ પોતાના નામે કર્યા છે.
સ્પર્ધાની આઉટડોર કેટેગરીમાં ભાઈઓની (6×6) ટીમે શરૂઆતથી જ મજબૂત રમતનું પ્રદર્શન કર્યું હતું. અન્ય રાજ્યોની ટીમોને કડક ટક્કર આપતા ગુજરાતની ટીમે આ વિભાગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
આ ઉપરાંત, પાલઘર ખાતે જ આયોજિત નેશનલ બીચ ટગ ઓફ વોર ચેમ્પિયનશીપમાં પણ ગુજરાતના ખેલાડીઓએ પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. બીચ કેટેગરીના કેચ વેઇટ (Catch Weight) વિભાગમાં ભાઈઓની ટીમે શ્રેષ્ઠ રમત દાખવીને સિલ્વર મેડલ જીતી લીધો હતો.
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની આ બેવડી સિદ્ધિ બદલ રમતગમત જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત ટગ ઓફ વોર એસોસીએશનના સેક્રેટરી રાજુભાઈ પટેલે ટીમના તમામ ખેલાડીઓ અને કોચને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેલાડીઓની મહેનત અને ટીમ વર્કના પરિણામે ગુજરાતનું અને એસોસીએશનનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
