ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યુવાનોએ ગિલ્લી-દંડા, તીરંદાજી અને કબડ્ડી જેવી દેશી રમતોમાં ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં હાલ ‘જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ૧૮મી નવેમ્બર સુધી ચાલનારા આ સપ્તાહ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં ઓપન એજ ગ્રુપ હેઠળ વિવિધ દેશી અને પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ગિલ્લી-દંડા, તીરંદાજી, રસ્સાખેંચ, કબડ્ડી અને ખો-ખો જેવી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રોમાંચક સ્પર્ધાઓમાં સ્થાનિક રમતવીરો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાનું કૌશલ્ય અને રમતગમત પ્રત્યેની ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ વિશેષ ગ્રામીણ રમતોત્સવના આયોજનનો મુખ્ય હેતુ જનજાતીય સમાજની પરંપરાગત રમતો અને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી તેને વધુ પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજની યુવા પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
વધુમાં, યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે અને તેમનું શારીરિક સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે હેતુથી પણ આ આયોજન મહત્વપૂર્ણ છે. આ રમતોત્સવે ખેલાડીઓમાં એકતા, સહકાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસાવવાની સાથે સાથે ગ્રામ્ય સ્તરની છુપાયેલી પ્રતિભાઓને આગળ આવવા માટે એક યોગ્ય મંચ પૂરું પાડ્યું છે.
આ રમતગમત સમારોહમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા તથા પ્રાંત અધિકારી સહિતના વિવિધ વહીવટી અને રાજકીય મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

