સાપાવાડા સાયન્સ કોલેજ પાસે બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ રિવેટવાળા પટ્ટાથી માર માર્યો હોવાની ફરિયાદ; અગાઉ સમાધાન માટે રૂ. પાંચ લાખની માંગણી કર્યાનો પણ આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર:
- નરસિંહપુરા (તા. ઇડર) ખાતે રહેતા ૬૨ વર્ષીય નટવરભાઈ શંકરભાઈ પટેલ ઇડરના શનય કોમ્પ્લેક્ષમાં ટેક્સ સલાહકાર તરીકે કામ કરે છે અને તેઓ આ કોમ્પ્લેક્ષના ઉપપ્રમુખ પણ છે.
- ગત તારીખ ૦૪/૧૧/૨૦૨૬ના રોજ વાહન પાર્કિંગ બાબતે તેમને ધ્રુવીત ઉર્ફે નવદિપ કિરીટભાઇ પટેલ (રહે. જામરેલા લીમ્ભોઇ રોડ ફાર્મ હાઉસ) સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી.
- આ ઘટના બાદ ધ્રુવી ઉર્ફે નવદિપ કિરીટભાઇ પટેલ તે સમાધાન કરવા માટે નટવરભાઈ પાસે રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી અને સમાધાન ન કરવા પર માર મારવાની ધમકી આપી હતી
હુમલાની ઘટના:
- તારીખ ૦૭/૧૧/૨૦૨૬ ના રોજ નટવરભાઈ તેમની આઇ-ટેન ગાડી (GJ 27 BS 9727) લઈને સાબરકાંઠા બેંકમાંથી પરત ફરી રહ્યા હતા.
- સાંજે આશરે ૪:૦૦ થી ૪:૧૫ વાગ્યાના અરસામાં સાપાવાડા સાયન્સ કોલેજ પાસે બમ્પ આવતા તેમણે ગાડી ધીમી પાડી હતી.
- તે સમયે પાછળથી એક મોટરસાયકલ ચાલકે તેમની ગાડીને ટક્કર મારી હતી.
- જ્યારે નટવરભાઈ મોટરસાયકલ ચાલકને કહેવા ગયા ત્યારે, બે બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ શખ્સોએ “ધ્રુવીત ઉર્ફે નવદિપ સાથે કેમ માથાકૂટ કરેલ છે” તેમ કહી ગાળો બોલી હતી.
- ઉશ્કેરાયેલા આ ત્રણ શખ્સોએ તેમની પાસે રહેલા રીવેટવાળા પટ્ટાઓથી નટવરભાઈને કપાળના ડાબી બાજુએ, પેટ તથા પીઠના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
સારવાર અને પોલીસ કાર્યવાહી:
- ઈજાગ્રસ્ત નટવરભાઈને શરૂઆતમાં ઈડર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની શાશ્વત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- આ મામલે નટવરભાઈની ફરિયાદના આધારે ઇડર પોલીસે ધ્રુવીત ઉર્ફે નવદિપ કિરીટભાઇ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 118(1), 352, 351(3), 61(2), 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે.
- હાલમાં આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.
