‘વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે ‘digiPost’ પહેલનો પ્રારંભ; ફિજિટલ સેવા થકી પોસ્ટમેન ઘરે પહોંચાડશે ચલણ, આગામી સમયમાં પોસ્ટ ઑફિસથી જ દંડ ભરવાની સુવિધા શરૂ થશે
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણના નામે થઈ રહેલી સાયબર છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક સઘન અને નાગરિકલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ‘વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે ગુજરાત પોલીસ અને ગુજરાત પોસ્ટ વિભાગ વચ્ચે એક વિશેષ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ જોડાણ અંતર્ગત હવેથી વાહન ચાલકોને ટ્રાફિકના ઈ-ચલણ સ્થાનિક પોસ્ટમેન મારફતે સીધા તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
આ નવીન વ્યવસ્થાને ‘digiPost’ પહેલ નામ આપવામાં આવ્યું છે, જે ‘Phygital’ (ફિજિટલ – એટલે કે ફિઝિકલ અને ડિજિટલનું સંયોજન) મેઈલ સેવા પર કાર્ય કરશે. આ અત્યાધુનિક સિસ્ટમ હેઠળ ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા જનરેટ થતા ઈ-ચલણ ડિજિટલ માધ્યમથી સીધા જ ઇન્ડિયા પોસ્ટના સર્વર પર મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સંબંધિત વિસ્તારના પોસ્ટમેન આ ચલણ પ્રિન્ટ કરીને વાહન માલિકના નોંધાયેલા સરનામે સુરક્ષિત રીતે રૂબરૂ પહોંચાડશે.
તાજેતરના સમયમાં ઈ-ચલણ ભરવા માટે નાગરિકોના મોબાઈલ પર બોગસ મેસેજ અને ફેક લિંક્સ મોકલીને બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લેવાના સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. આ નવી પદ્ધતિ અમલમાં આવવાથી નાગરિકોને ચલણની અધિકૃત હાર્ડ કોપી ઘરે બેઠા જ મળી જશે, જેથી તેઓએ દંડ ભરવા માટે કોઈ અજાણી કે શંકાસ્પદ લિંક પર આધાર રાખવો પડશે નહીં.
આ સુવિધાને વધુ વ્યાપક અને સરળ બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા ભવિષ્યના આયોજનો પણ ઘડી કાઢવામાં આવ્યા છે. આગામી સમયમાં વાહન ચાલકોને પોતાના ચલણની રકમ ભરવા માટે ઓનલાઈન પોર્ટલ કે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. નાગરિકો પોતાના ઘરની નજીક આવેલી કોઈપણ પોસ્ટ ઑફિસ ખાતેથી જ ચલણની રકમ જમા કરાવી શકશે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
