રોંગ સાઇડથી આવતી કાર ધડાકાભેર અથડાતાં સર્જાયેલી દુર્ઘટના; ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા, ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે પર દોલગઢ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બે કાર વચ્ચે સામસામી ટક્કર થતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક કાર હાઇવે પર રોંગ સાઇડથી આવી રહી હતી. આ કાર સામેથી યોગ્ય દિશામાં આવી રહેલી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના કુરચા બોલી ગયા હતા.
આ અકસ્માતમાં બંને કારમાં સવાર મુસાફરોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો મોટો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળેટોળા તાત્કાલિક ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત લોકોની મદદથી કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ૩ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક ગ્રામ્ય પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોના ટોળાને દૂર કરી હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

