સ્વસહાય જૂથોની મહિલાઓને તેમના ઉત્પાદનોના સીધા વેચાણ માટે યોગ્ય બજાર પૂરું પાડવા રાજ્ય સરકાર અને GLPC ની સંયુક્ત પહેલ
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સ્વસહાય જૂથોની મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે હિંમતનગર અને ઇડર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે અને ઇડર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દિવ્યાબેન ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં આ હાટનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ૨૭ જિલ્લાઓના એસ.ટી. બસ સ્ટેશનો પર કુલ ૧૩૬ ગ્રામ હાટ ઊભા કરવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓને સંગઠિત કરી, તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી તેમની આવકમાં વૃદ્ધિ કરવાનો છે.
વર્ષ ૨૦૨૬-૨૭થી અમલમાં મૂકવામાં આવેલી આ ‘ગ્રામ હાટ યોજના’ થકી બસ સ્ટેન્ડ ઉપરાંત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર મહિલાઓને વ્યવસાય માટે જગ્યા પૂરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાના કારણે ગ્રામીણ મહિલાઓને તેમના હસ્તકલા, ગૃહઉદ્યોગો અને અન્ય સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે સીધું અને મોટું બજાર ઉપલબ્ધ બનશે, જેનાથી વચેટિયા પ્રથા દૂર થશે.

સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક આયોજન મુજબ, આ યોજના હેઠળ જિલ્લામાંથી કુલ ૧૨ સ્વસહાય જૂથોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ જૂથોની મહિલાઓને વેપાર કરવાની સમાન તક મળી રહે તે માટે ૧૫ દિવસના રોટેશન મુજબ ગ્રામ હાટની ફાળવણી કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયું છે. આ પારદર્શક વ્યવસ્થાથી દરેક જૂથને પૂરતો ન્યાય અને વેચાણની સમાન તક મળશે.
આ નવીન પ્રયાસથી સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને વેગ મળશે અને ગ્રામીણ મહિલાઓ પોતાની આવડતને આવકના નક્કર સ્ત્રોતમાં પરિવર્તિત કરી શકશે. આ ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, હિંમતનગર ડેપો મેનેજર એચ.આર. પટેલ, ઇડર ડેપો મેનેજર એચ.જે. સગર તેમજ DRDA ના વહીવટી અધિકારી કૈલાસબેન રાજગોર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

