સંરક્ષણ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન બાદ નિવૃત્ત અધિકારીઓ વિવિધ સરકારી યોજનાઓ અને ઓળખપત્ર માટે પાત્ર બન્યા
હિંમતનગર: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક વિભાગના તાજેતરના ગેઝેટ નોટિફિકેશન અને દિશા-નિર્દેશો અનુસાર આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના નિવૃત્ત અધિકારીઓને હવે પૂર્વ સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આ નિર્ણયના અમલથી મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓ અન્ય પૂર્વ સૈનિકોની જેમ વિવિધ સરકારી યોજનાઓ અને કલ્યાણકારી લાભો મેળવવા માટે હકદાર બન્યા છે.
આ સંદર્ભે હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયેલા અધિકારીઓ હવે પૂર્વ સૈનિક ઓળખપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે.
પૂર્વ સૈનિક ઓળખપત્ર મેળવવા ઇચ્છુક નિવૃત્ત અધિકારીઓએ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ www.esm.gujarat.gov.in પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે હિંમતનગર સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરીના ફોન નંબર ૦૨૭૭૨-૨૪૫૫૩૦ પર સંપર્ક સાધી શકાશે, તેમ કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
