વધુ વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યાનો આક્ષેપ; ૨૧ મોબાઈલ સહિત રૂ. ૫૧.૫૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઈડર પોલીસે શેરબજારમાં રોકાણ કરાવી વધુ વળતર અપાવવાની લાલચ આપી કથિત રીતે છેતરપિંડી આચરતી ગેંગ સામે કાર્યવાહી કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કનુ વાઘેલા, તુષાર વાઘેલા, કિશન વાઘેલા, હસમુખ ઠાકોર અને અજીતજી ઠાકોરની અટકાયત કરી હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ સ્ટોક એક્સચેન્જનું જરૂરી લાયસન્સ મેળવ્યા વિના શેરબજારમાં લે-વેચનો વ્યવસાય ચલાવતા હોવાનો આક્ષેપ છે. આ માટે એન્જલ વન અને માર્કેટ પ્લસ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી પણ તપાસ દરમિયાન સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આરોપીઓ દ્વારા લોકોને શેરબજારમાં રોકાણથી વધુ કમાણી થવાની વાતો કરી વિશ્વાસમાં લેવામાં આવતા હતા. ત્યારબાદ વોટ્સએપ અને ફોન કોલિંગના માધ્યમથી રોકાણ કરાવી રકમ મેળવવામાં આવતી અને બાદમાં તે રકમ પરત ન આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. ૫૧.૫૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૨૧ મોબાઈલ ફોન, સ્કોર્પિયો અને બલેનો કાર, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે.
આ મામલે ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફરિયાદી બન્યા હોવાનું જણાવાયું છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં આરોપીઓની ભૂમિકા, નાણાકીય વ્યવહારો તથા અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
