શિક્ષણમાં વાલીઓની સક્રિય ભાગીદારી અને બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો, મધ્યાહન ભોજનની ગુણવત્તા પણ ચકાસી
સાબરકાંઠા: જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ સુદઢ કરવા અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને સશક્ત બનાવવાના ભાગરૂપે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે ઈડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. અહીં આયોજિત એસ.એમ.સી. સશક્તિકરણ તાલીમમાં ઉપસ્થિત રહીને બંને ઉચ્ચ અધિકારીઓએ સમિતિના સભ્યો સાથે સીધો અને ફળદાયી સંવાદ સાધ્યો હતો.
આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ વાલીઓ અને સમિતિના સભ્યો સાથે આત્મીય વાર્તાલાપ કરી શાળાના વિકાસમાં તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાસ કરીને બાળકોની શાળામાં નિયમિત હાજરી, અભ્યાસમાં પ્રગતિ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વાલીઓ વધુ રસ દાખવે તે માટે શાળા તથા વાલીઓ વચ્ચે સતત અને સુમેળભર્યા સંવાદની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શૈક્ષણિક માર્ગદર્શન આપવાની સાથે સાથે કલેક્ટર અને ડીડીઓએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બાળકોને પીરસવામાં આવતા ભોજનની પોષકક્ષમતા અને ગુણવત્તા ચકાસવા માટે બંને અધિકારીઓએ શાળામાં તૈયાર થયેલી દાળ-ઢોકળીનો સ્વાદ માણ્યો હતો અને ભોજન વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.
અંતમાં, શાળાના આચાર્ય અને શિક્ષકગણ સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દાવડ પ્રાથમિક શાળાની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવીને અધિકારીઓએ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાતથી શિક્ષકો, વાલીઓ અને SMC સભ્યોમાં નવો ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યે વધુ સક્રિયતા આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
