દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs)માં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની વધતી જતી ચિંતાજનક ઘટનાઓ અને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ‘રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ’ (NTF) સક્રિય રીતે કાર્ય કરી રહી છે. મે 2025થી અત્યાર સુધીમાં ટાસ્ક ફોર્સે દેશના 10 રાજ્યોમાં આવેલી 30 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ ઉપરાંત, તમામ પક્ષોનો સમાવેશ થાય તેવા સમાનતાલક્ષી અભિગમ માટે હિતધારકો સાથે અત્યાર સુધીમાં 25 થી વધુ પરામર્શ બેઠકો યોજવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતના 27 મે, 2026ના તાજેતરના આદેશ અનુસાર, હવે NTFને તેનો અંતિમ અને વિગતવાર અહેવાલ સબમિટ કરવા માટે 31 ઓક્ટોબર, 2026 સુધીનો સમય લંબાવી આપવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2026 થી ટાસ્ક ફોર્સે શૈક્ષણિક સંસ્થાઓમાં હાંસિયામાં ધકેલાયેલા અને સંવેદનશીલ વર્ગોના પ્રશ્નોને સમજવા માટે વિશેષ પરામર્શ કર્યા છે, જેમાં મુખ્યત્વે:
- વિકલાંગ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના પ્રશ્નો
- ઉચ્ચ શિક્ષણમાં જાતિ અને લિંગ (Gender) આધારિત ભેદભાવ
- એસટી (ST) અને ઓબીસી (OBC) સમુદાયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ
- માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યાને અપરાધમુક્ત કરવાની બાબત
- કાયદાના વિદ્યાર્થીઓ અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓ/NGO સાથે ચર્ચા
એકત્રિત કરાયેલા સર્વેક્ષણ ડેટાનું વૈજ્ઞાનિક અને સચોટ વિશ્લેષણ થઈ શકે તે માટે, સુપ્રીમ કોર્ટના ફેબ્રુઆરી 2026ના આદેશ અનુસાર ભારતના પૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રો. ટી.સી.એ. અનંતની NTFમાં તકનીકી સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF) ની મુખ્ય જવાબદારીઓ:
- કારણોની ઓળખ: વિદ્યાર્થીઓને આત્મહત્યા તરફ દોરી જતા મુખ્ય કારણો અને દબાણો શોધવા.
- માળખાકીય વિશ્લેષણ: હાલના કાયદાઓ, શૈક્ષણિક નીતિઓ અને સંસ્થાકીય વ્યવસ્થાઓની તપાસ કરવી.
- સુધારાની ભલામણ: શૈક્ષણિક વાતાવરણને વધુ સુરક્ષિત, સમાવેશી અને સમાન તકોવાળું બનાવવા માટે કાયદાકીય તેમજ સંસ્થાકીય સુધારાઓ સૂચવવા.
