ઇથેનોલ ફાળવણીના મામલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની સ્પેશિયલ લીવ પિટિશન પર માનનીય સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અંગે ભારતના એટર્ની જનરલની કચેરી દ્વારા એક મહત્વની સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં સરકારના 20% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (E20) પ્રોગ્રામને “હજુ પણ એક ચાલુ પ્રયોગ છે” તેવું દર્શાવવામાં આવ્યું હતું, જેને એટર્ની જનરલની કચેરીએ સંપૂર્ણપણે ખોટું અને વાસ્તવિકતાથી વેગળું ગણાવ્યું છે.
30 જૂન 2026ના રોજ પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ દ્વારા રજૂઆત કરાઈ છે કે E20 નીતિની અસર આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થશે અને તે એક પ્રયોગ છે. આ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, કોર્ટ સમક્ષ આવી કોઈ જ રજૂઆત કરવામાં આવી નથી. સરકાર વતી E20 પ્રોગ્રામને “પ્રયોગ” તરીકે વર્ણવવામાં આવ્યો હોવાનું કોઈ પણ સૂચન તદ્દન ખોટું અને ભ્રામક છે.
સુનાવણી દરમિયાન વિદ્વાન એટર્ની જનરલે કોર્ટને માહિતી આપી હતી કે:
- ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સને ઇથેનોલ ફાળવણી સંબંધિત સમાન મુદ્દાઓ ધરાવતી અન્ય રિટ પિટિશનો હાલમાં વિવિધ હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
- આ તમામ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર પિટિશનો દાખલ કરવામાં આવી રહી છે, જેથી સમાંતર કાર્યવાહી અને પરસ્પર વિરોધી નિર્ણયોને ટાળી શકાય અને કાયદાના સમાન પ્રશ્નો પર એકસાથે નિર્ણય લઈ કેસનો ઝડપી ઉકેલ લાવી શકાય.
એટર્ની જનરલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, માનનીય સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવિત ટ્રાન્સફર પિટિશનો દાખલ કરવાનો મત વ્યક્ત કર્યો છે. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો છે કે વર્તમાન ઇથેનોલ સપ્લાય વર્ષ (2025-26) માટે ઇથેનોલની ફાળવણીના સંદર્ભમાં ‘સ્ટેટસ ક્વો’ (યથાસ્થિતિ) જાળવી રાખવામાં આવે.
એટર્ની જનરલની કચેરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ દેશની એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નીતિવિષયક પહેલ છે. આથી, મીડિયાના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ન્યાયિક કાર્યવાહીનું રિપોર્ટિંગ કરતી વખતે યોગ્ય સચોટતા રાખે અને ભ્રામક સમાચારોથી દૂર રહે.
