ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)ના નવા અદ્યતન ભવન અને હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં ₹127 કરોડના અંદાજિત ખર્ચે સાકાર થનારા આ નૂતન ભવનનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પરિકલ્પનાથી વર્ષ 2010માં સ્થપાયેલી આ સ્ટેટ યુનિવર્સિટી હવે નવા આધુનિક કેમ્પસ સાથે શૈક્ષણિક ક્ષેત્રે નવું સીમાચિહ્ન અંકિત કરશે.
નવા કેમ્પસમાં મળશે આ વૈશ્વિક સુવિધાઓ
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી ₹127 કરોડની ગ્રાન્ટ અંતર્ગત આ નૂતન કેમ્પસમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે:
- શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: નવું એકેડેમિક અને ફેકલ્ટી બિલ્ડિંગ, અદ્યતન સ્માર્ટ વર્ગખંડો અને સેમિનાર હોલ.
- આધુનિક પ્રયોગશાળાઓ: વિજ્ઞાન વિષયોના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ સાયન્સ લેબોરેટરીઝ.
- જ્ઞાન અને સંશોધન: આધુનિક સુવિધાઓથી સજ્જ લાયબ્રેરી અને એક વિશેષ મ્યુઝિયમ.
- સ્પોર્ટ્સ અને હોસ્ટેલ: વિવિધ રમતો માટે ઉત્કૃષ્ટ પ્લે ગ્રાઉન્ડ તેમજ 600થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી તમામ સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક ઇમારતનું નિર્માણ નથી, પરંતુ ભારતના ભવિષ્યને ઘડનારા ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો તૈયાર કરવાના નવા યુગની શરૂઆત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલીકરણમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે, જેના ભાગરૂપે IITE ને હવે એક ‘મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ અંતર્ગત સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનને વેગ આપતી 7 નવી ‘યુનિવર્સિટી સ્કૂલ્સ’ ની રચના પણ કરવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યુનિવર્સિટી માત્ર અક્ષરજ્ઞાન પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણમાં નવું ચિંતન લાવી આધુનિક ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે. NEP-2020ના માધ્યમથી આ સંસ્થા દેશભરમાં શિક્ષણના આચાર, વિચાર અને વ્યવહારમાં મોટો બદલાવ લાવશે.
આ કાર્યક્રમ ખૂબ જ ભાવુક અને વિશેષ બની રહ્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શ્રી બી.એન. હાઈસ્કૂલમાં જે શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તે આદરણીય ગુરુજનોનું મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ પર ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ITEP અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

