રાજ્યમાં સોના-ચાંદીના ઘરેણાંની ચોરી તેમજ ચેન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવા ગુનાઓ આચરીને ચોરો લૂંટફાટ કરેલા દાગીના, ચેન, સોનું કે ચાંદી અથવા તેને ઓગાળીને બનાવેલા ગઠ્ઠા સોના-ચાંદીના વેપારીઓ કે શોરૂમ માલિકોને વેચી દેતા હોય છે. ઘણીવાર સોના-ચાંદીના દુકાનદારો અજાણતામાં આવા દાગીના ખરીદી લે છે. પરંતુ જ્યારે પોલીસ તપાસ થાય છે, ત્યારે વેપારી પાસે દાગીના વેચવા આવનાર વ્યક્તિની કોઈ જ માહિતી હોતી નથી.
આના કારણે અજાણતામાં વેપારીઓ ગુનાના હિતસંબંધ ધરાવતા બની જાય છે અને ભારે હેરાન-પરેશાન થાય છે. વેપારીઓ પાસે ગ્રાહકના કોઈ ઓળખના પુરાવા કે ચોક્કસ નામ-સરનામાની વિગત ન હોવાથી પોલીસને પણ સાચા ગુનેગારો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે અથવા તપાસ અશક્ય બની જાય છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સાબરકાંઠા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, વહીવટી તંત્ર દ્વારા વેપારીઓની સુરક્ષા અને ગુનેગારોને પકડવા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઓળખપત્રની સત્યતા ચકાસ્યા બાદ જ ખરીદી કરી શકાશે નવા આદેશ મુજબ, હવેથી સોના-ચાંદીના દાગીના, જૂની વસ્તુઓ કે સોનું-ચાંદી ઓગાળીને બનાવેલા ગઠ્ઠા જેવી સામગ્રી ખરીદનાર તમામ દુકાનદારો અને શોરૂમ માલિકોએ દાગીના વેચવા આવનાર વ્યક્તિ પાસેથી તેમના અસલી ઓળખના પુરાવા (ID Proof) મેળવવાના રહેશે. આ પુરાવાની સત્યતા ચકાસ્યા બાદ જ વેપારીએ ખરીદી કરવાની રહેશે.
નિયત નમૂનાનું રજીસ્ટર નિભાવવું ફરજિયાત દરેક વેપારીએ પોતાની દુકાને એક નિયત નમૂનાનું રજીસ્ટર બનાવવાનું રહેશે. આ રજીસ્ટરમાં દાગીના વેચનાર વ્યક્તિનું પૂરું નામ, કાયમી સરનામું, મોબાઈલ નંબર, ટેલીફોન નંબર અને મેળવેલા ઓળખપત્રની વિગતો સ્પષ્ટપણે નોંધવાની રહેશે. જ્યારે પણ કોઈ તપાસ અધિકારી અથવા પોલીસ દ્વારા આ રજીસ્ટર માંગવામાં આવે, ત્યારે વેપારીએ તે તુરંત રજૂ કરવાનું રહેશે.
ઓગસ્ટ ૨૦૨૬ સુધી હુકમ અમલી, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી સાબરકાંઠા જિલ્લા પ્રશાસનનો આ સુરક્ષાલક્ષી હુકમ તા. ૧૮/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ સોની વેપારી કે શોરૂમ સંચાલક આ નિયમનું ઉલ્લંઘન કરશે, ગ્રાહકોના આઈડી પ્રૂફ લીધા વગર દાગીના ખરીદશે કે રજીસ્ટર નહિ નિભાવે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સજા અથવા દંડને પાત્ર થશે.
