ભૂતકાળમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે બાંધકામ હેઠળની ઇમારતમાં સુતેલી બે મહિલા મજૂરો સાથે બનેલી અઘટિત અને ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોની સુરક્ષા કાજે એક મહત્વપૂર્ણ કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. વાપીની ઘટનાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને પીવાનું પાણી, વીજળી કે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી ન હતી, જેના કારણે મજૂરો અને તેમના બાળકો આવી ઘટનાઓનો ભોગ બન્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં આવી કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવેથી મજૂર ઠેકેદારો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
પાણી, વીજળી અને શૌચાલય સાથેનું રહેણાંક આપવું પડશે ફરજિયાત જિલ્લા પ્રશાસનના આદેશ અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાનના બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠા, પથ્થરની ખાણો અને અન્ય ખાણકામના સ્થળોએ કામ કરતા મહિલા મજૂરો અને નાબાલિક (સગીર) બાળકો માટે સંબંધિત લેબર કોન્ટ્રાક્ટરોએ પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ સાથેનું રહેણાંક ફરજિયાતપણે પૂરું પાડવાનું રહેશે.
પોલીસ સ્ટેશનમાં મજૂરોની તમામ વિગતો નોંધાવવી અનિવાર્ય નવા નિયમો મુજબ, દરેક મજૂર ઠેકેદારે શ્રમિકોની જરૂરી પ્રાથમિક માહિતી એકત્ર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવાની રહેશે. આ ઉપરાંત, જ્યારે પણ શ્રમિકો મજૂરી કામ પૂરું કરીને અથવા સાબરકાંઠા જિલ્લો છોડીને જતા રહે, ત્યારે કોન્ટ્રાક્ટરે તેમના નવેસરના (નવા) સરનામાની વિગતોની જાણ પણ તુરંત સ્થાનિક પોલીસને કરવાની રહેશે.
પોલીસને સોંપવાની વિગતોનું પત્રક: કોન્ટ્રાક્ટરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નીચે મુજબની વિગતો સબમિટ કરવાની રહેશે:
- ઠેકેદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.
- મહિલા મજૂર/નાબાલિકનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, નામ, ઉંમર, હાલનું સરનામું અને મોબાઈલ નંબર.
- શ્રમિકોના મૂળ વતનનું સરનામું (ગામ, તાલુકો, જિલ્લો) તેમજ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ અને ફોન નંબર.
- વતનના કોઈ સ્થાનિક આગેવાનનું નામ, સરનામું અને તેમનો સંપર્ક નંબર.
- શ્રમિકોને ક્યારથી કામ પર રાખવામાં આવ્યા છે તેની તારીખ.
- ઓળખ માટે ફોટાવાળું આઈડી પ્રૂફ (ઓળખપત્ર).
- જિલ્લામાં તેમના કોઈ સગા-સંબંધી હોય તો તેમનું નામ અને સરનામું.
- શ્રમિકોને પાણી, વીજળી અને શૌચાલય સાથેનું રહેણાંક આપ્યું છે કે કેમ તેની સ્પષ્ટ વિગત.
નિયમોનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા આ સુરક્ષાલક્ષી આદેશનું પાલન ન કરનાર અથવા શ્રમિકોની માહિતી છુપાવનાર મજૂર ઠેકેદારો (લેબર કોન્ટ્રાક્ટર) સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સજા અથવા દંડને પાત્ર થશે.
