ત્રાસવાદી અને અસામાજિક તત્વો દ્વારા ખોટા નામે મેળવેલા સીમકાર્ડ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોવાના ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો સામે આવ્યા છે. જિલ્લામાં બોગસ દસ્તાવેજોના આધારે સીમકાર્ડ વેચવાના વધતા કિસ્સાઓ પર અંકુશ લાવવા અને જાહેર સુરક્ષા મજબૂત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને મોબાઇલ કંપનીઓ, ડિસ્ટ્રીબ્યુટરો અને રીટેલરો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રજીસ્ટર નિભાવવું અને પોલીસને યાદી આપવી ફરજિયાત
નવા નિયમો અનુસાર, મોબાઇલ કંપનીઓ દ્વારા આપવામાં આવતા સીમકાર્ડનું એરિયા વાઇઝ રજીસ્ટર ડિસ્ટ્રીબ્યુટરો અને જથ્થાબંધ વેપારીઓએ રાખવું પડશે. તેવી જ રીતે રીટેલરોએ પણ કયો નંબર કઈ વ્યક્તિને વેચાયો અને કયા દસ્તાવેજો લેવાયા તેની વિગતવાર નોંધ રજીસ્ટરમાં કરવાની રહેશે. તમામ મોબાઇલ કંપનીઓએ તેમના ડિસ્ટ્રીબ્યુટરો અને રીટેલરોની યાદી તેમના કંપની કોડ સાથે નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકની કચેરીએ મોકલવાની રહેશે, તેમજ તેમાં થતા ફેરફારોની પણ સમયાંતરે જાણ કરવાની રહેશે.
ફેરીયા કે પાનના ગલ્લા પર સીમકાર્ડ વેચવા સામે પ્રતિબંધ
સરકારે સીમકાર્ડના આડેધડ વેચાણ સામે લાલ આંખ કરી છે. હવેથી ડિસ્ટ્રીબ્યુટરો કોઈપણ ફેરીયા કે પાનના ગલ્લા પર સીમકાર્ડ વેચવા આપી શકશે નહીં. સીમકાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં ‘શોપ એક્ટ’ (Shop Act) હેઠળ નોંધાયેલા લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે. દસ્તાવેજોની ચકાસણી માટે કોન્ટ્રાક્ટ પર રાખેલી ખાનગી પેઢીઓની પુરેપુરી માહિતી પણ સ્થાનિક પોલીસને આપવી પડશે.
ગ્રાહકોની પ્રાથમિક ચકાસણી અને એસ.ટી.ડી. પી.સી.ઓ. માટેના નિયમો
સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના ફોટો આઈડી અને પાસપોર્ટ સાઈઝના ફોટાની સરખામણી કરવાની પ્રાથમિક જવાબદારી રીટેલરની રહેશે. મોબાઇલ કંપનીઓએ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ એક્ટિવ કરવાનું રહેશે. આ ઉપરાંત, એસ.ટી.ડી. પી.સી.ઓ. (STD PCO) ચલાવતા સંચાલકોએ પણ કોલ કરનાર વ્યક્તિની ઓળખ અને વિગતો માટે નામ-સરનામાનું રજીસ્ટર નિભાવવું પડશે.
આ સુરક્ષાલક્ષી જાહેરનામું તા. ૧૮/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ ડિસ્ટ્રીબ્યુટર, રીટેલર કે મોબાઇલ કંપની આ હુકમનો ભંગ કરશે અથવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કાયદેસરની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
