ભૂતકાળમાં ટ્યુશન ક્લાસીસ અને અન્ય સ્થળોએ બનેલી આગની ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા એક મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં આગના કારણે થતી જાનહાનિ ટાળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ મુજબ જિલ્લાના તમામ જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીના ઉપકરણો વસાવવા અને સમયાંતરે તેનું ઓડિટ કરાવવું ફરજિયાત રહેશે.
NOC વગર ચાલતી સંસ્થાઓ સામે લાલ આંખ
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ફાયર વિભાગના “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) અને પૂરતા સુરક્ષા સાધનો વિના ચાલતી સંસ્થાઓને કારણે નિર્દોષ બાળકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાય છે. આવી બેદરકારીને કારણે અમૂલ્ય માનવ જિંદગીઓ હોમાઈ જતી હોય છે. જિલ્લામાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્રે કમર કસી છે.
આ સ્થળોએ નિયમોનું પાલન કરવું ફરજીયાત:
નવા આદેશ મુજબ એસ.ટી. સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો (મંદિરો-મસ્જિદો), હોસ્પિટલો, એટીએમ સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ-થિયેટરો, કોમર્શિયલ સેન્ટરો, શોપિંગ મોલ, ખાનગી શાળાઓ અને કોલેજો, તમામ સરકારી કચેરીઓ અને કર્મચારીઓના રહેણાંક વિસ્તારો, હોટલ-રેસ્ટોરન્ટ, બહુમાળી ઇમારતો, બગીચાઓ, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ તેમજ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જાહેર જગ્યાઓ પર ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત લાયસન્સ ધરાવતા ફાયર ઓફિસર પાસે તેનું સમયાંતરે ચેકિંગ અને ઓડિટ પણ કરાવવાનું રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલો આ જાહેર સુરક્ષાનો હુકમ તા. ૧૮/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ સંસ્થા કે સ્થળ માલિક આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કાયદેસરની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
