ગાંધીનગર: રાજ્યના ખેડૂતો કપાસના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત આવક મેળવી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વાવણી બાદના તબક્કે કપાસમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતો અને ઇયળોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોને વૈજ્ઞાનિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
જીવાતોની આગોતરી મોજણી અને જૈવિક નિયંત્રણ: ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, પાન ખાનાર ઇયળ અને ગુલાબી ઇયળના ફૂદાની આગોતરી જાણકારી મેળવવા માટે પ્રતિ હેક્ટરે ૫ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જરૂરી છે. ખેતરમાં વીજળીની સુવિધા હોય તો પ્રકાશ પિંજર (લાઇટ ટ્રેપ) દ્વારા પણ મોટા પાયે ફૂંદીઓનો નાશ કરી શકાય છે. ઓક્ટોબર માસના અંતથી કપાસની છેલ્લી વીણી સુધી ગુલાબી ઇયળ માટે હેક્ટરે ૪૦ ફેરોમોન ટ્રેપ મૂકવા જોઈએ. આ ઉપરાંત, નવેમ્બરના પ્રથમ સપ્તાહથી હેક્ટરે ૧.૫ લાખ ટ્રાઈકોગામા ભમરી અને ડિસેમ્બરના શરૂઆતના સપ્તાહમાં હેક્ટરે ૧૦ હજાર લીલી પોપટીની ઇયળો છોડીને જૈવિક નિયંત્રણ કરી શકાય છે. ખેતરમાં મકાઈની છાંટ નાખવાથી આવા કુદરતી નિયંત્રકોની સંખ્યામાં વધારો થાય છે.
રાસાયણિક દવાઓનો આડેધડ વપરાશ ટાળવા અપીલ: સફેદમાખી, તડતડિયાં, મોલો, થ્રીપ્સ અને પાનકથીરી જેવા ચૂસિયા પ્રકારના કીટકોનો ઉપદ્રવ દેખાતાની સાથે જ સીધી રાસાયણિક દવાઓ છાંટવાને બદલે શરૂઆતમાં લીમડા આધારિત દવાઓ (૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ.) અથવા ૫ ટકા લીંબોળીના મીંજનો અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ પાવડર (૧૦-૧૫ ગ્રામ) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો હિતાવહ છે. હવામાં ભેજ વધુ હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરિયા બેસિયાના ફુગનો ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી લેખે સાંજના સમયે છંટકાવ કરવો.
મિલીબગ (ચીકટો)ના નિયંત્રણ માટે એનાસિયસ બમ્બાવાલે ભમરી તેમજ ક્રિપ્ટોલેમસ અને બ્રુમસ નામના ઢાલીયા કીટકો કુદરતી રીતે મદદરૂપ થાય છે. આવા મિત્ર કીટકોની હાજરી હોય ત્યારે ઝેરી રસાયણોનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઉપદ્રવ વધે ત્યારે જ ભલામણ કરેલ દવાઓનો ઉપયોગ કરવો: જો જીંડવા કોરી ખાનાર ઇયળો કે ચૂસિયા જીવાતો ક્ષમ્ય માત્રા વટાવે, તો જ કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત કીટનાશકો જેવા કે ક્વિનાલફોસ, ફેનવાલરેટ, એમામેક્ટીન બેન્ઝોએટ, સ્પીનોસાડ, ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ, થાયાક્લોપ્રિડ કે ફ્લોનીકામાઈડ પૈકી કોઈપણ એક દવાનો નિયત માત્રામાં ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે દરેક છંટકાવ વખતે દવા બદલવી જરૂરી છે અને દવાના પેકિંગ પર આપેલા લેબલ મુજબની સાવચેતી રાખવી.
ખેત ઓજારોની સફાઈ અનિવાર્ય: ચીક્ટો (મિલીબગ)થી સંક્રમિત ખેતરમાં હળ, કરબ કે ટ્રેક્ટર જેવા ઓજારોનો ઉપયોગ કર્યા બાદ, તેને બીજા ખેતરમાં લઈ જતા પહેલા પાણીના ફૂવારાથી અથવા કીટનાશક દવાથી બરાબર સાફ કરવા જોઈએ જેથી જીવાત એક ખેતરમાંથી બીજા ખેતરમાં ન ફેલાય.
વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોને તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
