નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા હિંમતનગર વર્તુળ દ્વારા સઘન તપાસ; ૧૧૩.૨૦ લીટર શંકાસ્પદ ઘી સીઝ કરી નમૂના લેબોરેટરીમાં મોકલાયા
આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમનતંત્ર (હિંમતનગર વર્તુળ, જિ. સાબરકાંઠા) દ્વારા ફૂડ સેફ્ટી ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં સઘન તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા ઘીના વેચાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી અધિકારીઓએ વિવિધ પેઢીઓમાંથી ઘીના નમૂનાઓ પૃથ્થકરણ (ટેસ્ટિંગ) અર્થે એકત્રિત કર્યા હતા. નમૂના લીધા બાદ, કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સ્થળ પર રહેલો બાકીનો ઘીનો જથ્થો સીઝર મેમો આપીને જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાચોરા સેલ્સ એજન્સી અને ગીતા ટ્રેડર્સ જેવી પેઢીઓમાંથી અલગ-અલગ બ્રાન્ડ (જેમ કે રિધમ, ખુશાલી, અમૃત)નું ઘી જપ્ત કરાયું છે. તંત્ર દ્વારા કુલ ૧૧૩.૨૦ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની બજારમાં અંદાજિત કિંમત રૂ. ૮૪,૧૩૦ જેટલી થવા જાય છે.
જપ્ત કરાયેલા ઘીના તમામ નમૂનાઓને વધુ સઘન તપાસ માટે માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ, જો ઘીમાં કોઈ ભેળસેળ કે અનિયમિતતા જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ તથા તેના નિયમો અને રેગ્યુલેશન્સ અનુસાર સંબંધિત વેપારીઓ સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સઘન કાર્યવાહીની સાથે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા જાહેર જનતાને પણ એક વિશેષ અપીલ કરવામાં આવી છે. નાગરિકોને તહેવારો દરમિયાન ખાદ્ય ચીજો ખરીદતી વખતે પેકિંગ, ઉત્પાદન તારીખ, વપરાશની છેલ્લી તારીખ (એક્સપાયરી ડેટ) અને અન્ય જરૂરી વિગતો ખાસ ચકાસીને જ ખરીદી કરવા જણાવાયું છે. તેમજ જો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તા અંગેની કોઈ ફરિયાદ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અનુરોધ કરાયો છે.
