ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જાહેર રસ્તા પર એક નશામાં ધૂત શખ્સે ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાએ પોલીસ તંત્ર અને દારૂબંધીના કડક અમલના દાવાઓ સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇડરની પ્રાંત કચેરી અને ડીવાયએસપી (DySP) કચેરીની એકદમ નજીક જ એક શખ્સે દારૂના નશામાં છાકટા બનીને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. આ શખ્સે જાણે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય તેમ રસ્તા પર નીચે સુઈ હંગામો મચાવ્યો હતો. જાહેર માર્ગ પર થઈ રહેલા આ તમાશાને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને નિર્દોષ રાહદારીઓ ભારે પરેશાન થયા હતા.
ખાખીની કામગીરી અને તંત્ર પર ઉઠતા સવાલો
- દારૂ આવ્યો ક્યાંથી? સૌથી મોટો સવાલ એ છે કે, દારૂબંધી ધરાવતા ગુજરાતમાં અને તે પણ ઇડરની સરકારી કચેરીઓ તેમજ પોલીસ અધિકારીની ઓફિસ નજીક દારૂ પહોંચ્યો કેવી રીતે?
- દારૂ કોણે અને ક્યાંથી આપ્યો?.
દારૂબંધીની પોકળ વાતો એક તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર અને દુઃખદ ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે, ત્યારે બીજી તરફ ઇડરમાં સરકારી કચેરીઓ અને પોલીસના નાક નીચે જ દારૂડિયો તમાશો કરે તે તંત્રની નિષ્ફળતા છતી કરે છે. સાબરકાંઠા સહિત સમગ્ર ઇડર પંથકમાં દારૂબંધીની વાતો સંપૂર્ણપણે પોકળ સાબિત થતી હોવાનો આ જાગતો પુરાવો છે.
લોકોમાં હવે રોષ સાથે ચર્ચા થઈ રહી છે કે ઇડરમાં દારૂબંધીના કાયદાનો ખરા અર્થમાં કડક અમલ ક્યારે થશે?
