ગાંધીનગર: પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત ‘લોકભવન’ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે રાજ્યની ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને ₹૨ કરોડ લેખે કુલ ₹૨૮ કરોડની વિશેષ વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.
ભાવસભર વાતાવરણમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ તેમજ દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામના કરી હતી. મુખ્યમંત્રીએ તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી.
આ ઉજવણીમાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે રીટાબેન પટેલ, નિમિષાબેન સુથાર, પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા ધારાસભ્યોના મતક્ષેત્ર માટે ₹28 કરોડની ફાળવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા જનપ્રતિનિધિઓને રક્ષાબંધનની ભેટ આપતાં પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ માટે મહત્વનો નિર્ણય લીધો છે:
- ૧૪ મહિલા ધારાસભ્યોને લાભ: રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતી શહેરી વિસ્તારની ૯ અને ગ્રામ્ય વિસ્તારની ૫ મળીને કુલ ૧૪ મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ મળશે.
- પ્રત્યેકને ₹૨ કરોડની ગ્રાન્ટ: દરેક મહિલા ધારાસભ્યને તેમના મતવિસ્તારના કામો માટે ₹૨-૨ કરોડ ફાળવાશે.
- રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે: આ રકમનો સીધો ઉપયોગ સ્થાનિક વિસ્તારોમાં રસ્તા અને માળખાકીય સુવિધાઓ સુધારવા માટે થશે, જેનાથી છેવાડાના વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
