સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલની અધ્યક્ષતામાં “જનચેતના – જન આરોગ્ય નેતૃત્વ અને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ફોર હેલ્ધી તાલુકા એક્શન” અંતર્ગત જિલ્લા કક્ષાના ‘કોમ્યુનિટી લીડર સેન્સેટાઇઝેશન વર્કશોપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જનપ્રતિનિધિઓને આરોગ્ય, માતૃ-બાળ કલ્યાણ અને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી, સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાનો હતો.
પ્રમુખશ્રીની અપીલ: જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓ પહોંચાડવા સૌને કર્મયોગી બનવા આહ્વાન કર્યું હતું. સગર્ભા માતાઓ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જિલ્લામાં વર્ષભર નિયમિત રક્તદાન કેમ્પો યોજવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
આરોગ્યલક્ષી માર્ગદર્શન: તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ અને ડૉ. વિનોદ મુંગડ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ PM-JAY યોજના, એનિમિયા, ન્યુટ્રિશન, ચાંદીપુરા વાયરસ તેમજ સર્વાઇકલ કેન્સર રસીકરણ અને રક્તદાનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ: આ વર્કશોપમાં ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયત સદસ્યોના બ્લડ પ્રેશર (BP) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દીવાનજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન દક્ષાબેન પટેલ, દંડક મયુરભાઈ શાહ, સિંચાઈ સમિતિના ચેરમેન ધીરેનભાઈ અસારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દશરથભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન નારાયણભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કિશોરસિંહ ચારણ સહિતના પદાધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વસ્થ-સશક્ત સમાજના નિર્માણનો સંકલ્પ લીધો હતો.

