ઈડરના દિયોલી શાળાના શિક્ષક, જાણીતા કવિ અને લેખક સંદીપ પટેલ ‘કસક’ને PDEU ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર (દિયોલી) ના મદદનીશ શિક્ષક, જાણીતા કવિ અને લેખક સંદીપકુમાર રામભાઈ પટેલ (સંદીપ પટેલ ‘કસક’) ને શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયો ભવ્ય સમારંભ ૫મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસે (શિક્ષક દિન) ગાંધીનગર સ્થિત PDEU (પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી) ના ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંદીપ પટેલને પ્રતિષ્ઠિત એવોર્ડ, પ્રશસ્તિપત્ર અને સન્માન ચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
AI અને ઇન્ફોગ્રાફિક્સના માધ્યમથી શિક્ષણને બનાવ્યું રસપ્રદ છેલ્લા ૧૭ વર્ષથી નિષ્ઠા અને સમર્પણથી ફરજ બજાવતા સંદીપ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને બાળકો માટે અત્યંત સરળ બનાવી દીધા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ થકી ‘વિજ્ઞાન-દ્રષ્ટિ: AI ઇન્ફોગ્રાફિક્સ’ અને માઇન્ડ મેપ્સ આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. ગોખણપટ્ટી મુક્ત અને વિઝ્યુઅલ લર્નિંગના તેમના આ ભગીરથ પ્રયાસોને કારણે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં શાળાનું એકંદર પરિણામ ૮૯.૬૬% રહ્યું છે, જેમાં ગણિતમાં ૯૩.૧૦% અને વિજ્ઞાનમાં ૮૯.૬૬% જેટલું ઊંચું પરિણામ પ્રાપ્ત થયું છે.
સાહિત્ય અને સમાજસેવામાં પણ અગ્રેસર શિક્ષણ ઉપરાંત, સંદીપ પટેલ ‘કસક’ સાહિત્ય જગતનું એક મોટું નામ છે. તેઓ વિવિધ વર્તમાનપત્રોમાં ૪ લોકપ્રિય કટાર (કોલમ) લખે છે અને અત્યાર સુધીમાં તેમના ૩૦૦૦થી વધુ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સાથે જ તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. શાળાની દીકરીઓ માટે છેલ્લા ત્રણ વર્ષથી નિઃશુલ્ક સેનિટરી પેડની સુવિધા, થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ, ઈડરગઢ સફાઈ અભિયાન અને ગરીબ બાળકોને શૈક્ષણિક સાધનોની સહાય જેવા ઉમદા કાર્યો તેઓ નિરંતર કરી રહ્યા છે.
રાજ્ય કક્ષાએ મળેલા આ સર્વોચ્ચ સન્માન બદલ શાળા પરિવાર, નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટ, દિયોલીના ગ્રામજનો, શિક્ષણ જગત તથા સાહિત્યપ્રેમીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

