ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (અરવલ્લી)ની ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ (FSW) ટીમ દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શામળાજી વિષ્ણુ મંદિર દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સહેલાણીઓને શુદ્ધ તથા સાત્વિક ચા-નાસ્તો અને ખોરાક મળી રહે તેવા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ટીમ દ્વારા શામળાજી મંદિરના ભોજનાલય સહિત આસપાસના લારી-ગલ્લા, ફાસ્ટ ફૂડ સેન્ટર, ટી સ્ટોલ અને હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્થળ પર જ ખાદ્યચીજોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સ્થળ પર વિવિધ ટેસ્ટિંગ અને ચકાસણી:
- પીવાનું પાણી: pH મીટર દ્વારા પાણીનું પરીક્ષણ કરાયું (માન્ય pH ૬ થી ૮).
- મીઠું: આયોડાઇઝ્ડ મીઠામાં નિયત ધોરણ મુજબ આયોડિનનું પ્રમાણ તપાસવામાં આવ્યું.
- પનીર, ચીઝ અને બટર: ભેળસેળ (એનાલોગ) ચકાસવા માટે આયોડિન ટેસ્ટ કરવામાં આવ્યો.
- તેલ: તળેલા તેલની ગુણવત્તા જાણવા TPC ટેસ્ટ કરાયો (૨૫થી વધુ TPC ધરાવતું તેલ અખાદ્ય ગણાય છે).
- અન્ય બાબતો: તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગની ભેળસેળ, એક્સપાયરી ડેટ, વેપારીઓના ફૂડ લાયસન્સ અને પેઢીની સ્વચ્છતાની તપાસ કરવામાં આવી.
તંત્ર દ્વારા કુલ ૧૨ પેઢીઓમાં તપાસ હાથ ધરી પાણીના ૧૧, મીઠાના ૧૦, પનીરના ૬, ચીઝના ૭ અને બટરના ૭ મળી કુલ ૪૧ નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન આશરે ૬ કિલો બિન-આરોગ્યપ્રદ સામગ્રી (અંદાજિત કિંમત ₹૨૫૦) વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવી હતી.
અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઑફિસર બી. એમ. ગણવાએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ અને તહેવારોના દિવસોને ધ્યાને રાખીને તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા તેમજ આરોગ્યપ્રદ ખોરાક જ પીરસવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.


