વડાલી (સાબરકાંઠા): સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની રજત જયંતી અને સહકારી જીનની સુવર્ણ જયંતીની ભવ્ય સંયુક્ત ઉજવણી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પાંચ દાયકાની સેવાકીય સફરને બિરદાવતા આ સમારોહમાં ખેડૂતો, વેપારીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૫૦ વર્ષ પહેલાં વડવાઓએ દૂરંદેશી રાખી સહકારી જીન અને ત્યારબાદ APMCની સ્થાપના કરી ખેડૂતોને મજબૂત માળખું આપ્યું હતું. હવે નવી પેઢીએ આધુનિક ટેકનોલોજી અને મૂલ્યવર્ધન થકી કૃષિ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનું છે. રાસાયણિક ખેતીને કારણે વધતી ગંભીર બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે સોઈલ હેલ્થ કાર્ડ મુજબ ખાતર વ્યવસ્થાપન કરવા અને સ્વાસ્થ્ય તથા પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.
- મૂલ્યવર્ધન અને ટેકનોલોજી: ખેડૂતો માત્ર કાચો માલ વેચવાને બદલે પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ અપનાવી વધુ વળતર મેળવે તે જરૂરી છે.
- નકલી બિયારણ સામે કડક વલણ: ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા અને નકલી બિયારણનું વેચાણ કરતા તત્વો સામે પી.બી.એમ. કાયદા હેઠળ કડક પગલાં લેવાશે.
- સરકારી યોજનાઓ અને ગ્રીન એનર્જી: ખેડૂતોને ગ્રીનહાઉસ સબસિડી, ડિજિટલ કૃષિ માધ્યમો, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર રૂફટોપ તેમજ કૃષિ કચરામાંથી ઊર્જા માટે બાયો-CNG પ્લાન્ટ જેવી પહેલોનો મહત્તમ લાભ લેવા જણાવ્યું.
સમારોહ દરમિયાન વડાલી APMC અને સહકારી જીનના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપનાર અગ્રણીઓ, કર્મચારીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય રમણલાલ વોરા, APMC અને જીનના ચેરમેન શ્રી વિજય પટેલ સહિતના સહકારી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


