સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક બનેલા ચકચારી IIFL બેંક મેનેજર હત્યા કેસમાં એક સનસનીખેજ વળાંક આવ્યો છે. મેનેજરની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી યોગેશ ઠાકોરનો મૃતદેહ કડી નજીક આવેલી કેનાલમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
થોડા દિવસો અગાઉ પ્રાંતિજ નજીક એક કારમાંથી IIFL બેંકના મેનેજર ભરત ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે સાબરકાંઠા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ₹4 લાખ 50 હજારની બેંક લોન ન ભરવી પડે તે માટે મેનેજર ભરત ચૌધરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ હત્યા પૂર્વઆયોજિત કાવતરું રચીને આરોપી યોગેશ ઠાકોરે તેની પ્રેમિકા ભાવના ઉર્ફે ભાવુ ઠાકોર સાથે મળીને અંજામ આપી હતી.
પોલીસે કાર્યવાહી કરીને હત્યામાં સંડોવાયેલી પ્રેમિકા ભાવના ઠાકોરને તાત્કાલિક સકંજામાં લઈ લીધી હતી. જોકે, ઘટના બાદ મુખ્ય સૂત્રધાર યોગેશ ઠાકોર પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમો તેની શોધખોળ કરી રહી હતી.
આ દરમિયાન કડી નજીક પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ કરતાં તે IIFL બેંક મેનેજરની હત્યાનો વોન્ટેડ આરોપી યોગેશ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.
હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે:
- શું યોગેશ ઠાકોરે પોલીસ પકડના ડરથી કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી છે?
- કે પછી આ હત્યા કેસના તાર અન્ય કોઈ સાથે જોડાયેલા છે અને કોઈએ તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા લાશ કેનાલમાં ફેંકી દીધી છે?
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી મોતનું ચોક્કસ કારણ જાણવા કવાયત હાથ ધરી છે.
