સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અને પ્રજાકેન્દ્રિત અભિગમ
ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં જમીન પચાવી પાડવાના કેસોમાં ઝડપી ન્યાય અને અસરકારક કાર્યવાહી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત સંબંધિત પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કુલ ૧૦૩ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાંથી ૧૫ કેસોમાં તપાસ દરમિયાન અરજદારોને જમીનનો કબજો મળી જતાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થતાં હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય કેસોમાં કાયદાકીય જોગવાઈઓ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
છેલ્લા છ માસ દરમિયાન જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કુલ ૩૧૧ કેસોમાં કાયદાકીય જોગવાઈ અનુસાર નિર્ણયો કરવામાં આવ્યા છે. ઉપરાંત ૧૨ કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રનો અભિગમ માત્ર ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં કડક કાર્યવાહી પૂરતો મર્યાદિત ન રાખી, વાસ્તવિક હકદારને ન્યાય મળે અને યોગ્ય કેસોમાં પક્ષકારોને સમાધાનની તક મળે તેવો સંતુલિત અભિગમ અપનાવવાનો છે.
આ પ્રકારની કાર્યવાહીથી જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને કાયદેસર નિરાકરણ સાથે સામાન્ય નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની રહી છે.
