સાબરડેરી અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો; ‘રક્તદાન મહાદાન’ અને ‘એક વૃક્ષ, એક જીવન’નો સંદેશ અપાયો
સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સાબરડેરી) અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે સાબરડેરી ખાતે રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે અમિતભાઈ શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અમિતભાઈ શાહના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વને ધ્યાનમાં રાખીને સાબરડેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાબરડેરીના નિયામક મંડળના સભ્યો તેમજ મેનેજિંગ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ ભાગ લઈને વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
‘રક્તદાન મહાદાન’ના સંદેશ સાથે યોજાયેલી રક્તદાન શિબિરમાં સાબરડેરીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. આ પહેલ દ્વારા રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આમ, જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન અને વૃક્ષારોપણ જેવી સામાજિક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ‘એક વૃક્ષ, એક જીવન’ના સંકલ્પ સાથે પર્યાવરણની જાળવણી અને માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

