ઈડર પૂર્વ વિભાગ સત્તાવીસ ગોળ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં સંતો-મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
ચિત્રોડા: ચિત્રોડા વસાહત ખાતે ઈડર પૂર્વ વિભાગ સત્તાવીસ ગોળ ઠાકોર સમાજ (બ્રહ્મપુરી-ચિત્રોડા વિભાગ) દ્વારા શ્રી મહાકાલી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના લોકોએ ઉત્સાહભેર સહભાગી થઈને માતાજીના દર્શન તથા પૂજન-અર્ચનનો લ્હાવો લીધો હતો.
આ પાવન અને ભક્તિમય પ્રસંગે સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી મનિષબાપુ (છઠીયારડા) તેમજ પૂજ્ય સંતશ્રી પ્રકાશગીરી મહારાજ (હરદાસપુર) મહોત્સવમાં ખાસ પધાર્યા હતા અને તેમણે દર્શનાર્થીઓ તથા સમગ્ર સમાજને પોતાના દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા.
મંદિરના આ રૂડા પ્રસંગમાં સ્થાનિક રાજકીય આગેવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, બાબુલાલ પુરોહિત, જિલ્લા પંચાયતના સદસ્ય ડાહીબેન પટેલ અને રણજીતસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.

આ ઉપરાંત, તાલુકા પંચાયતના સદસ્ય વિજયસિંહ જેતાવત, કૈલાસબેન પટેલ, પ્રમુખ જગદેવસિંહ જેતાવત અને સરપંચ અશોકકુમાર સુતરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન સત્તાવીસ ગોળ ઠાકોર સમાજ દ્વારા આમંત્રિત વિશેષ અતિથિઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું, જેના પ્રતિભાવમાં અતિથિઓ દ્વારા સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય આયોજન થકી સમાજમાં એકતા, સંગઠન અને ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. સમિતિના સભ્યો અને સ્વયંસેવકોની ભારે જહેમતથી સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
