ગૃહ કંકાસના મામલે પોલીસ કાર્યવાહી બાદ વહેલી સવારે આપઘાત કર્યાની પ્રાથમિક માહિતી; પ્રાંત અધિકારીની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ
ઈડર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રહેલા અનિલ ગોવિંદ વાઘેલાનું મોત નિપજતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ગૃહકંકાસના મામલે પોલીસ દ્વારા અટકાયતી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વહેલી સવારે તેમણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, અનિલ વાઘેલાએ પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા સાથે પોતાના નાઇટ ડ્રેસની દોરીનો ઉપયોગ કરીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટનાની સમગ્ર હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ મામલે પત્નીએ રાત્રિ દરમિયાન ઇમરજન્સી સેવા 112 પર ફોન કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પહોંચ્યો હતો.

મૃતકના મોતને પગલે ઈડરના પ્રાંત અધિકારીની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. DYSP અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ઘટનાના સંજોગો અને અન્ય પાસાંઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના રહેવાસી અનિલ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષોથી પત્ની સાથે સાસરીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના મોતના સમાચારથી પરિવારજનોમાં શોક અને આક્રંદનો માહોલ છવાયો હતો.

પોલીસ કસ્ટડીમાં થયેલા આ મોતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે. નિયમાનુસાર, ઇડરના પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં લાશનું પંચનામું કરવામાં આવ્યું છે. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

